મફત ‘રેવડી’ના ચક્કરમાં મતદાતાઓ ના પડેઃ શંકરસિંહ વાઘેલા

અમદાવાદઃ રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાય એવી વકી છે. તેમણે આપ પાર્ટીની મફતની ‘રેવડી’ઓ  -મફત વીજળી અને અન્ય ઘોષણા અંગે મતદારોને ચેતવ્યા હતા. તેમણે મતદારોને સાવધ કરતાં કહ્યું હતું કે મફત કશું જ નથી. આ 300 યુનિટ મફત વીજળી શું છે? કોના બાપની દિવાળી – આ તમારા (જાહેર) પૈસા છે.

તેમણે ચૂંટણી વિશે વાત કરતાં કહ્યું હતું કે 1977ના સમયે વિધાનસભાની ચૂંટણી રૂ. 5000 અને લોકસભાની ચૂંટણી રૂ. 15,000માં લડાતી હતી. એ દરમ્યાન મને પાર્ટી ફંડથી રૂ. પાંચ લાખ મળ્યા હતા અને એમાં અમે ત્રણ સીટો પર લડ્યા હતા, જેમાં કચ્છ, રાજકોટ અને કપડવંજની સીટ હતી.

તેમણે કહ્યું હતું કે જો પાર્ટીઓ પાંચ વર્ષની અંદર ચૂંટણી વચનો પૂરાં ના કરે તો એ જનતાએ એ પક્ષોએ ફરીથી ચૂંટણીમાં ના જિતાડવા જોઈએ, જેથી એ પક્ષો એવાં વચનો ના આપે. તેમણે મફતની ચીજવસ્તુઓ વિશે કહ્યું હતું કે મફત જેવું કંઈ જ નથી. કઈ પાર્ટીએ મફત શિક્ષણનું વચન પૂરું કર્યું? રૂ. 200 કરોડ સરકારી ખજાનામાં જમા કરવાના વચનને  નિભાવ્યું? હું ગુજરાત અને દેશના મતદાતાઓને કહ્યું કે ‘રેવડી’ના ચક્કરમાં ના પડો. શું કોઈ પાર્ટીએ ચૂંટણી વચન  નિભાવવા માટે કોઈ ફંડ એકઠું કર્યું?  આ બધું જનતાના દમ પર કહેવું સહેલું છે.

તેમણે કહ્યું હતું કે આજે લોકો રાજકારણમાં આવે છે પોતાના સ્વાર્થ માટે. આજના દોરમાં કોઈ પણ પાર્ટીમાં કોઈ વિચારધારા નથી.