વિસામો કિડ્સ ફાઉન્ડેશને 19મો સ્કોલરશિપ ડે ઊજવ્યો

અમદાવાદઃ કેલોરેક્સ ગ્રુપ દ્વારા સંચાલિત વિસામો કિડ્સ ફાઉન્ડેશને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA)માં રવિવારે તેના 19મા સ્કોલરશિપ ડેની ઉજવણી કરી હતી. વિસામો કિડ્સે ગુજરાતના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં વસતાં વંચિત બાળકો માટેનું આશ્રયગૃહ છે. 24 વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

ગુજરાતની વિચરતી જાતિઓ માટે કામ કરતી NGO વિચરતા સમુદાય સમર્થન મંચ (VSSM)ના સ્થાપક મિત્તલ પટેલ, વાય. જે. ત્રિવેદી એન્ડ કું.ના પેટન્ટ ડિવિઝનના વરિષ્ઠ પાર્ટનર અને હેડ  ગોપી ત્રિવેદી તથા ટ્રેનર, પ્રેરણાદાયી વક્તા અને લેખક ઉમા તેરૈયાની સાથે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.

વિસામો કિડ્સ ફાઉન્ડેશનની વંચિત બાળકોના શિક્ષણને સમર્થન પૂરું પાડવા બદલ પહેલને બિરદાવતાં મિત્તલ પટેલે જણાવ્યું હતું કે તમે વિસામો કિડ્સ ફાઉન્ડેશન પર ભરોસો મૂકીને તમારા બાળકને એક અનુકરણીય બાળપણ ભેટમાં આપ્યું છે.

બાળકો અને તેમના વાલીઓ સહિત લગભગ 250 જેટલા લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં વિસામો ટાસ્ક ગ્રુપ (VTG)ના ચેરપર્સન તેમજ વરિષ્ઠ સભ્યો તથા વિસામો કિડ્સ ફાઉન્ડેશનમાં સ્વૈચ્છિક સેવા પૂરી પાડી રહેલા પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU)ના ઇન્ટર્ન્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોએ વિસામો કિડ્સમાં તેમના ઉછેરના અલગ-અલગ અનુભવો અને આનંદની ક્ષણો તથા શિક્ષણ અને સાર્વત્રિક ભણતર મારફતે તેમની એક અલાયદી ઓળખ ઘડવામાં આ અનુભવો કેવી રીતે મદદરૂપ થયા હતા એ વિશે જણાવ્યું હતું.