રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહીઃ ૧૧ ડેમમાં નવાં નીર

અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. સાઇકલોનિક સર્ક્યુલેશનની અસર સર્જાવાને લીધે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેથી NDRFને અને SDRFને સતર્ક રહેવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભરૂચ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્ય ગુજરાતના બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચમાં પણ ભારે વરસાદની આગહી છે.

રાજ્યના 31 જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 14.72 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીમાં 61 મિમી નોંધાયો છે. રાજ્યના 23 તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે. જ્યારે બે તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ થયો છે. મહેસાણાના સતલાસણમાં 60 મિમી, સાબરકાંઠાના વડાલીમાં 45 મિમી., માંગરોળમાં 41 મિમી, સુરતના માંડવીમાં 39 મિમી., વિજયનગરમાં 38 મિમી, મહીસાગરના અને વીરપુરમાં 38 મિમી વરસાદ વરસ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના કુલ ૮૨ જળાશયોમાંથી રાજકોટના ન્યારી-૨ સહિત સૌરાષ્ટ્રના ૧૧ ડેમમાં નવા નીર આવ્યા છે.

અમદાવાદમાં વરસાદ ખેંચાતાં લોકો બફારાથી ત્રાસી ગયા છે. અમદાવાદ શહેરમાં 1.33 ઇંચ સાથે મોસમનો માત્ર 4.27 ટકા અને અમદાવાદ જિલ્લામાં બે ઇંચ સાથે મોસમનો માત્ર 7.39 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં મંગળવારથી વરસાદનું પ્રભુત્વ વધવાની સંભાવના છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]