અમદાવાદ- બિહારના પ્રભારી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે સીએમ રૂપાણી વિરુદ્ધ ક્રિમીનલ કેસ અને નુકશાની વળતરનો દિવાની દાવો દાખલ કરવાની ચીમકી આપી છે. તેઓ સીએમને જાહેર નોટિસ મોકલશે અને જો બે અઠવાડિયામાં સીએમ માફી નહીં માંગે તો કાયદેસરના પગલા ભરશે. ગઈકાલે પરપ્રાંતિયો પર હુમલાના મુદ્દે સીએમ વિજય રૂપાણીએ શક્તિસિંહ ગોહિલ અને અલ્પેશ ઠાકોર પર આક્ષેપ કરતા રાજનીતિ ગરમાઈ છે.શક્તિસિંહે પડકાર ફેંક્યો કે જો તેમની સામે પુરાવા હોય તો કેસ કરી તેમને જેલમાં નાખવામાં આવે. શક્તિસિંહે એવો પણ આક્ષેપ કર્યો કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. રૂપિયો નબળો છે ત્યારે ભાજપ જાણી ગઈ છે કે ચૂંટણીમાં ખરાબ પરિણામો આવવાના છે. એટલે ભાજપે પરપ્રાંતિયોનો મુદ્દો છેડ્યો છે.
શક્તિસિંહે વધુમાં કહ્યું કે, સત્ય હકીકત એ છે કે ગુજરાતના યુવાનોને રોજગારી મળતી નથી. નોટબંધી અને અને જીએસટીનાં કારણે બેરોજગારી વધી છે. યુવાનોનું ફિક્સ પગારના કારણે શોષણ થાય છે. ખેડૂતોને પુરતો ભાવ, પાકવીમો, પાણી કે વીજળી મળતા નથી ત્યારે ગુજરાતના લોકોનો રોષ ભાજપ સામે વધતા એક સોચી-સમજી સાજીશ બનાવી ભાજપ દ્વારા પર પ્રાંતિય લોકો ઉપર હુમલા ભાજપ દ્વારા કરવામાં આવ્યા. આ ઘટનાઓને કારણે “વસુધૈવ કુટુમ્બકમ” માં માનનારા પ્રતિષ્ઠિત ગુજરાતીઓની પ્રતિષ્ઠા ખરડાયેલ છે.
ભાજપના ધારાસભ્યો અને નેતાઓનાં વિડીઓ તથા સોશિયલ મીડીયાના સંખ્યા બંધ પુરાવાઓ સામે આવેલ છે. જ્યારે ગુજરાતમાં પર પ્રાંતીય ઉપર ઘટનાઓ બની હતી ત્યારે શક્તિસિંહ બિહારમાં જ હતા. બિહારમાં જે તે સમયે મીડિયા સમક્ષ તુરત જ શાંતિની અપીલ અને જવાબદાર સામે કડક પગલાની માંગણી કરી હતી.
વધુમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાનનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. જો કોઈ પણ વ્યક્તિ ગુન્હા માટે જવાબદાર હોય તો એફ આઈ આર દાખલ કરીને જવાબદારને જેલમાં મોકલવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે વિજય રૂપાણીએ લખનૌમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં નેતા શક્તિસિંહ ગોહિલ તથા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પરપ્રાંતીઓ પરનાં હુમલા પાછળ જવાબદાર છે. આ બન્નેના દોરી સંચારને કારણે કેટલીક અપ્રિય ઘટના થઇ હતી. પરંતુ સરકારે તુરંત જ કડક પગલાં લઇને વધુ બનાવો બનવા દીધા નહોતા. ત્યાર બાદ રાજકારણ ગરમાયું હતું.