અમદાવાદઃ વડા પ્રધાન આવતી કાલે 10મી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનું ઉદઘાટન કરવાના છે, ત્યારે વડા પ્રધાન આજે વિવિધ દેશોના CEOની સાથે મુલાકાત કરી રહ્યા છે. જો આ સમિટની યજમાની માટે ગુજરાત સજ્જ હોવાનું કહીને રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકામાં દ્વિવાર્ષિક સમિટ માત્ર ગુજરાતની ગતિશીલ ઉદ્યોગ સાહસિક ભાવનાને જ ઉજાગર કરી નથી, પરંતુ અર્થપૂર્ણ ચર્ચાઓને પ્રોત્સાહન આપી એકમો શરૂ કરવા ઉદ્યોગોને આદર્શ મંચ પૂરો પાડ્યો છે. રાજ્યમાં મૂડીરોકાણો આકર્ષિત કરવાના ઉદ્દેશની સાથે આ સમિટે સામાજિક અને આર્થિક વિકાસને પણ ઉત્તેજન આપ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે દેશનાં અન્ય રાજ્યોને આ પ્રકારની સમિટનું આયોજન કરવા માટે ગુજરાતે પ્રેરણા આપી છે. આ ઇવેન્ટ એ વૈશ્વિક કાર્યક્રમ બની ગયો છે. યાત્રાનાં 20 વર્ષ દરમ્યાન રાજ્યની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વધીને રૂ. 21.61 લાખ કરોડ સુધી પહોંચ્યો છે, જે દેશના GDPમાં 8.3 ટકાનો ફાળો અને ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકાનું યોગદાન આપે છે. એ ઉપરાંત નિકાસમાં ૩૩ ટકા હિસ્સો બન્યો છે.
રાજ્ય માત્ર મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઇલ કે ફાર્માસ્યુટિકલ જ નહીં, પણ અન્ય સેક્ટરોમાં પણ અગ્રેસર રહ્યું છે. આજે ગુજરાતમાં ૧૫ લાખ કરતાં વધુ MSME છે, જે ઔદ્યોગિક ઇકોસિસ્ટમમાં મહત્વ ધરાવે છે. ઔદ્યોગિક જરૂરિયાત અનુસાર કુશળ માનવબળ પણ ગુજરાત ધરાવે છે. રાજ્યમાં બંદરોનું વિશાળ નેટવર્ક છે. એ ઉપરાંત રાજ્યએ સેમિકન્ડક્ટર ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને ઇ-મોબિલિટી જેવા ઉભરતાં ક્ષેત્રો પર લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે. આ વાઇબ્રન્ટ સમિટની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે, જે આંતરરાષ્ટ્રીય સહયોગ મજબૂત બનાવશે.