રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સાર્વત્રિક મેઘમહેર

અમદાવાદઃ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 186 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. વલસાડના પારડીમાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે નવસારમાં સતત ચોથા દિવસે ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે નવસારીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તામાં ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં.

સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના કામરેજ અને ખેરગામમાં 6-6 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે પલસાણા અને ધરમપુરમાં સાડાપાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. 27 તાલુકા એવા છે જ્યાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો હતો. ગુજરાતના 38 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લામાં ભારે વરસાદથી રોડ પર પાણી ભરાતાં કુલ 16 રોડ બંધ કરવામાં આવ્યા છે.  સુરતના બારડોલીમાં પણ સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.સુરતમાં પહેલા જ વરસાદે પૂરની સ્થિતિ ઊભી કરી દીધી છે. સુરત શહેર ઉપરાંત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાને કારણે શહેરમાંથી પસાર થઈ રહેલી ખાડી ઓવરફ્લો થઈ છે અને પાણી ગામમાં ઘૂસી રહ્યાં છે. સુરતના છેવાડે આવેલ કુંભારિયા ગામના ખાડી નજીક આવેલા નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે. કુંભરિયા ગામના પાદર ફળિયામાં આવેલા 50 જેટલા ઘરમાંથી 25થી 30 ઘરમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયાં છે. જેને લઈ 200થી 250 લોકોની હાલત ખૂબ જ દયનીય બની છે.

અમદાવાદમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.  શહેરના નિકોલ, ઓઢવ, ચાંદખેડા, ગોતા, આંબાવાડી, જીવરાજપાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં. ભારે વરસાદને પગલે લોકોને પારાવાર મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના કોતરપુરમાં સાડા ત્રણ ઇંચ કરતાં વધું વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં ભારે વરસાદ અને પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. માંડવી (કચ્છ), મુંદ્રા, કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. અહીં પવનની ગતિ 40-45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.