પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મનું બીજું બજેટ 1લી ફેબ્રુઆરી 2025ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરી દીધું છે. આ સાથે નિર્મલા સિતારમણે સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પણ બનાવી લીધી છે. આ બજેટમાં કેટલાક સેક્ટરોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નવા સાહસિકોને માટે સરકાર સરળ લોન આપવાની પણ વાત કરવામાં આવી છે. બજેટ રજૂ થયાની સાથે અલગ અલગ સેક્ટરના લોકોએ બજેટને ખુલ્લા મનથી આવકાર્યું છે. ત્યારે બજેટ 2025 પર શું કહે છે આ સેક્ટરના લોકો આવો જાણીએ…
સંદીપ એન્જીનીયર, પ્રમુખ GCCI
બજેટ 2025-26 ખરેખર આવકાર દાયક છે. ભારતીય અર્થતંત્રમાં છેલ્લા એક દાયકામાં નોંધપાત્ર સકારાત્મક પરિવર્તન આવ્યું છે, જેથી આશાસ્પદ ભવિષ્યનો માર્ગ મોકળો થયો છે. આ બજેટમાં વધુ પડતા કમ્પ્લાયન્સનો બોજો ઘટાડવાની પહેલની કરવામાં આવી છે. જે ઉદ્યોગો અને વ્યવસાયને વધુ કાર્યક્ષમ બનવા, તેનો ખર્ચ ઘટાડવા અને નવી વૃદ્ધિની તકો ઉભી કરવામાં મદદ કરશે. તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો કે બજેટ ભારતના આર્થિક ભવિષ્ય માટે સ્પષ્ટ માર્ગ દર્શાવે છે, જેમાં ઔદ્યોગિક વિકાસ, સામાજિક કલ્યાણ અને માળખાગત વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. MSME માટે ક્રેડિટ ગેરંટી કવર ₹10 કરોડ સુધી વધારાયું છે, જ્યારે નિકાસ પ્રોત્સાહન મિશન અને BharatTradeNet ડિજિટલ પ્લેટફોર્મ ગ્લોબલ વેપાર સરળ બનાવશે. ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ELS કપાસ ઉછેરને પ્રોત્સાહન અને શટલ-લેસ લૂમ્સ આયાત જકાત મુક્તિનો નિર્ણય લેવાયો છે. રમકડાં મેન્યુફેક્ચરિંગ માટે નેશનલ એક્શન પ્લાન ભારતને વૈશ્વિક હબ બનાવવા મદદ કરશે. મહિલા ઉદ્યોગકારો માટે ₹2 કરોડ સુધીની ટર્મ લોન યોજના, વૃદ્ધ નાગરિકો માટે કર રાહત, અને GIG કામદારો માટે સામાજિક સુરક્ષા યોજના પણ બજેટના મુખ્ય હાઇલાઇટ્સ છે.
મયુરભાઈ આડેસરા, પ્રમુખ, જેમ્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશન, રાજકોટ
જેમ્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશન આમ તો ઘણી આશા આ બજેટથી બંધાય હતી. પરંતુ બજેટમાં અમારા માટે ખાસ રાહત આપવામાં આવી નથી. સુવર્ણ ઉદ્યોગકારો દ્વારા લાંબા સમયથી ડ્યુટીમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી રહી છે. અત્યારે સોના ચાંદી પર કસ્ટમ ડ્યુટી 6% છે, જે ઘટાડીને 3% કરવાની માગ હતી. પરંતુ આ બજેટમાં પણ આશા પૂર્ણ થઈ નથી. અમારી માંગ હતી કે, સોનાની આયાત ગાંધીનગર ગિફ્ટ સિટી દ્વારા કરવામાં આવે તો આ ક્ષેત્ર ઓર્ગેનાઇઝડ બની શકે છે. તેમજ હાલ સોના ચાંદીના ભાવ આસમાને હોવાથી તેમાં ઇએમઆઈની છૂટ આપવી જરૂરી છે. આમ તો આ વખતનું બજેટ સારું છે. બજેટ સામાન્ય વ્યક્તિ સહિત નવા સાહસિકોને માટે સારું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
અશ્વિનભાઈ ઠક્કર, ચેરમેન, ટેક્ષટાઇલ એસોસિએશન, અમદાવાદ
બજેટ 2025 ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રી માટે તો સારુ રહ્યું છે. પાછલા ઘણા વર્ષોથી કપાસના પાકમાં દેશમાં વર્લ્ડની સરખામણી ઘણો પાછળ છે. કપાસના પાકને વધારવા માટે પાંચ વર્ષની યોજના અમલમાં મુકવામાં આવી છે. ઓછો પાક મળવાથી ખેડૂતોને પણ નુકસાન સહન કરવું પડતું હતું, જે હવે નહીં કરવું પડે. ટેકનિકલ ટેક્ષટાઈલ ઈમર્જિંગ માર્કેટ છે. બજેટમાં ટેકનિકલ ટેક્ષટાઈલની મશીનરી પરની આયતા ડ્યુટી હટાવી દેવામાં આવી છે. જેનાથી આ ઉદ્યોગ પણ વેગવંતો બની શકે. આ ઉપરાંત વિદેશથી આવતા હલકી ગુણવત્તાના માલ પરની આયાત ડ્યૂટી વધારી દેવામાં આવી છે. જેનાથી બે ફાયદા થશે એક તો, ઓછી ગુણવત્તા ધરાવતો માલ હવે ભારતમાં ઓછો આવશે અને બીજો કે સ્વદેશી ઉત્પાદકો તે ઉદ્યોગને લાભ વધે.
નૈનેષ પચ્ચીગરે, પ્રમુખ, ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન
2025ના કેન્દ્રીય બજેટમાં જ્વેલરી ઉદ્યોગ માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ ઉદ્યોગની સ્થિરતા જાળવી રાખવા સાથે, વેપાર સરળ બનાવવો અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવાનો છે. બજેટમાં 2025માં TCSમાં બાદ બાકી આપવામાં આવી છે. જેમાં ₹50 લાખથી વધુના ચોક્કસ માલ પર TCS (Tax Collected at Source) ની બાદબાકી, જેનાથી વ્યવસાય કરવા સરળ બને અને રોકાણકારોને રાહત મળે. હા એ વાત છે, કે સોનાની આયાત જકાત 6% યથાવત્ રાખવામાં આવી છે. કેમ કે, બજારની સ્થિરતા જાળવી રાખવા માટે અને વૈશ્વિક સોનાના વધતા ભાવ ($2,800/oz)ના કારણે કોઈ વિક્ષેપ ન આવે તે માટે આયાત જકાતમાં કોઈ ફેરફાર નથી. સરકારે સોના અને ચાંદી માટે નવી ટેરિફ લાઇન રજૂ કરી છે, જે વ્યવસાયિક વર્ગીકરણ અને મોનિટરિંગ માટે વધુ સારું રહેશે. જોકે, ઉદ્યોગ પર તેની સંપૂર્ણ અસર જોવાની હજુ બાકી છે. પ્લેટિનમ તારણો પરની ડ્યુટી 25% થી ઘટાડીને 5% કરી દેવામાં આવી છે, જે ઉત્પાદન ખર્ચ ઘટાડશે અને વૈશ્વિક સ્તરે ભારતીય ઉદ્યોગની સ્પર્ધાત્મકતા વધારે.