ગાંધીનગર જવું સહેલું બનશે, ચીલોડા અને એસજી હાઇવેથી 2 રિંગરોડ બનશે

અમદાવાદ- પાટનગર ગાંધીનગર તરફ જવા માટે પ્રજાજનોને આગામી સમયમાં બે રિંગરોડનો લાભ મળશે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ એમ બે છેડાથી ગાંધીનગર તરફ બે રિંગરોડ આકાર લેશે. આ રિંગરોડ પર કુલ 12થી વધુ ગામડાં પણ સાંકળી લેવાશે.ટ્રાફિકની સમસ્યા નિવારવાના હેતુ સાથે આ પ્રોજેક્ટ શરુ થઇ ગયો છે. ગાંધીનગર તરફ જવા માટે બે રિંગરોડની આ યોજનામાં એક રિંગરોડ નરોડા-ચીલોડાને સાંકળીને બનશે. આ રિંગરોડ પર વલાદ, પીરોઝપુર, લવારપુર,પ્રાંતીયા, મોટી સિંહોલી, ચીલોડા સહિતના ગામ સંકળાશે. આ રિંગરોડની પહોળાઇ 90 ફૂટની હશે.

બીજો રિંગરોડ એસજી હાઇવેને સાંકળતો હશે જેમાં કુડાસણ, સરગાસણ, ઉવારસદ, તારાપુર સહિતના ગામ સંકળાશે. આ રિંગરોડ  80 ફૂટ પહોળાઇનો બનશે.

આ બંને રિંગરોડના રસ્તામાં પડતાં ગામના રસ્તાઓની પહોળાઇ પણ વધારવામાં આવશે. જેમાં 60 ફૂ, 45 ફૂટ અને 36 ફૂટ રસ્તા પહોળા બનાવાશે.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગરની રચના બાદથી ગુડા દ્વારા સેક્ટર 30 પછીના ડેવલપમેન્ટ પ્લાન પ્રમાણે 80 અને 90 ફૂટ પહોળાઇના આ બે નવા રિંગરોડ બનાવાઇ રહ્યાં છે, જેમાં કુલ 12 ગામ સંકળાશે.ટ્રાન્સપોર્ટેશન ઝડપી બનાવવાના હેતુ સાથે ઘડાયેલાં માળખાંમાં કામગીરીની શરુઆતરુપે સચિવાલયને જોડતાં રસ્તા ઉપરાંતના મુખ્ય રસ્તાઓને પહોળા કરવા સાથે શરુ થઇ ગઇ છે.