અમદાવાદ સમર ફેસ્ટિવલઃ સાંઈરામ દવેના હાસ્ય દરબારમાં મંત્રમુગ્ધ થયાં શ્રોતાઓ

અમદાવાદઃ ઉત્સવપ્રિય ગુજરાતીઓને અને ખાસ કરીને અમદાવાદીઓને આનંદ આપવા માટે કાળઝાળ ઉનાળામાં સમીસાંજે સાબરમતી નદીનાં કિનારે 1 મેથી સમર ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનોમાં ગુજરાત કલ્ચરલ શો, રાજસ્થાની લોકનૃત્ય, ઓપન એર મુવી શો અને હાસ્ય દરબાર જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સમર ફેસ્ટીવલના પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર સાંઈરામ દવેના હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાંઈરામ દવેએ પોતાની આગવી છટાથી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સાંઈરામ દવેએ પોતાની પ્રસ્તુતીમાં ગુજરાતના ગૌરવની વૈવિધ્યસભર વાતો, ગાંધી અને સરદારના જીવનની મહાનતા, અને હાસ્ય અને વ્યંગ સહિતના મુદ્દા ઉપર લોકોને ખૂબ અદભૂત મનોરંજન પુરૂ પાડ્યું હતું. હાસ્યની સાથે સાંઈરામ દવેએ યુવાનોને પ્રેરણા મળે તેવી વાતો કરી હતી અને સાથે જ ભારત દેશ અને ગુજરાત સાચી રીતે કેમ મહાન છે તેની ઐતિહાસીક વાતો પણ કરી હતી.