સરકારી ડેટાથી બે લાખ નકલી આધારકાર્ડ, પેનકાર્ડ બનાવાયાઃ પોલીસ

સુરતઃ રાજ્યના સુરત શહેરમાં એક વેબસાઇટનો ઉપયોગ કરીને આધાર અને પેન કાર્ડની સાથે-સાથે મતદાતા ઓળખ પત્ર દેવા નકલી દસ્તાવેજ બનાવવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કહ્યું હતું કે આરોપીઓએ આધાર અને પેન કાર્ડ જેવા આશરે બે લાખ નકલી ઓળખ દસ્તાવેજો બનાવ્યા હતા અને એને પ્રત્યેકને રૂ. 15થી રૂ. 200માં વેચી દીધાં હતાં.

તેમણે કહ્યું હતું કે આરોપી સરકારી ડેટાબેઝ સુધી પહોંચ બનાવી રહ્યા હતા, જે ગેરકાયદે અધિકારનો મામલો છે અને એક ગંભીર મુદ્દો છે. એડિશનલ પોલીસ કમિશનર (આર્થિક ગુના શાખા) વીકે પરમારે જણાવ્યું હતું કે એક ખાનગી ધિરાણકર્તા બેન્કના પદાધિકારીઓની ફરિયાદ પર કાર્યવાહી કરતાં બે સપ્તાહ પહેલાં નકલી અને છેતરપિંડીના આરોપમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદકર્તાઓએ ફરિયાદમાં કહ્યું હતું કે કેટલાક લોકોએ નકલી દસ્તાવેજોને આધારે લોન હાંસલ કરી હતી અને એના હપતાની ચુકવણી નહોતી કરી. આ આરોપીઓમાંથી એકની ઓળખ પ્રિન્સ હેમંત પ્રસાદ તરીકે થઈ છે. 

આરોપીએ કહ્યું હતું કે તેણે પ્રતિ દસ્તાવેજ રૂ. 15-50ની ચુકવણી પર નકલી આધાર અને પેનકાર્ડ ડાઉનલોડ કરવા માટે રજિસ્ટર્ડ યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને વેબસાઇટને એક્સેસ કરી હતી. આ નકલી આધારકાર્ડ અને ઓળખકાર્ડનો ઉપયોગ લોન લેવા માટે અને સિમકાર્ડ ખરીદવા માટે કરવામાં આવતો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ સહિત બે લાખ બોગસ ડોક્યુમેન્ટસ બનાવનાર ટોળકીને પકડી લીધી છે. સુરત ઇકો સેલે અત્યાર સુધીમાં પોલીસે ગુજરાત રાજસ્થાન અને યુપીમાંથી આઠ આરોપીઓની ધરપકડ કરી રૂ. 25 લાખ જપ્ત કર્યા છે.