મોદી આઈ કેરમાં લાગેલી આગમાં બેનાં મોત

 અમદાવાદ: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જય મંગલ BRTS બસ સ્ટેન્ડ પાસે આવેલી મોદી આઇ કેરની હોસ્પિટલમાં આગ લાગી હતી. મોદી આઇ કેર હોસ્પિટલમાં લાગેલી આગમાં ગૂંગળામણને કારણે હોસ્પિટલમાં દેખરેખ રાખનારાં પતિ-પત્નીનાં મોત થયાં છે. આ ઘટનાને પગલે બે એમ્બ્યુલન્સ, ચારથી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ અને ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. હોસ્પિટલમાં બેના મોત થયા છે.

મૂળ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ધરિયાવાદ ગામના રહેવાસી નરેશભાઈ પારઘી ( ઉ.વ 25) અને તેમનાં પત્ની હર્ષાબહેન પારઘી (ઉ.વ.24)નાં ગૂંગળામણથી મોત થયું છે.

નારણપુરા વિસ્તારમાં જયમંગલ BRTS બસ સ્ટેન્ડ પાસે આવેલી મોદી આઇ કેર સેન્ટર નામની હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જોકે, આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને સવારે 9:30 વાગ્યાની આસપાસ થઈ હતી. જેથી ફાયર બ્રિગેડના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ જ્યારે અમે અહીં આવ્યા ત્યારે આગની જ્વાળાઓ નહીં, પરંતુ ધુમાડા જોવા મળ્યા હતા. પહેલાં જઈને જોતાં પલંગ પર દંપતી મૃત હાલતમાં મળ્યાં હતાં.