કલોલમાં બ્લાસ્ટમાં બે મકાન ધરાશાયીઃ બેનાં મોત

ગાંધીનગરઃ કલોલમાં આવેલી પંચવટી સોસાયટીમાં ગેસની પાઇપલાઇનમાં બ્લાસ્ટ થયો છે. જેના કારણે આ સોસાયટીમાં આવેલા બે મકાનો ધરાશાયી થયાં છે. આ બ્લાસ્ટ ગેસ પાઇપલાઇનમાં થવાને કારણે થયો હોવાની આશંકા છે. આ મકાનો ધરાશાયી થતાં મકાન નીચે દટાવવાને લીધે બે વ્યક્તિનાં મોત થયાં  છે અને બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. આ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગૃહપ્રધાન અમિત શાહે પણ કલોલ બ્લાસ્ટ વિસે માહિતી મેળવી હતી. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ દુર્ઘટનાની જાણ થતાંની સાથે જ ફાયર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચીને રાહત કામગીરી તથા વધુ તપાસ કરી રહી છે.

વહેલી સવારે થયેલા ધડાકાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જે મકાન ધરાશાયી થયા તેની આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મકાનના કાટમાળમાં અન્ય લોકો દટાયા છે કે નહીં એ અંગે તપાસ ચાલી રહી છે. હાલ કલોલ નગરપાલિકા, કલોલ તાલુકા અને સિટી પોલીસ સહિત મામલતદાર પ્રાંત સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. લોકોના ટોળેટોળા ઘટનાને જોવા એકઠા થયા હતા. આ બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે સોસાયટીનાં અન્ય મકાનોના કાચ તૂટી ગયા હતા. જે મકાનમાં ધડાકો થયો હતો, એ તો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હતું તેમ જ તેના કાટમાળમાં આગ પણ લાગેલી હતી. મકાનના નીચેથી ગેસની લાઇન પસાર થતી હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી.