રાજુલા નજીક ત્રિપલ અકસ્માત, ત્રણનાં મોત

ગુજરાતમાં દિન પ્રતીદિન રોડ અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા ગામ નજીક મંગળવારે મોડી રાત્રે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળેજ કરુણ મોત નીપજ્યા હતા. આ અકસ્માત રાજુલા-જાફરાબાદ રૂટની એસ.ટી. બસ, સ્વીફ્ટ કાર અને બાઇક વચ્ચે થયો. પ્રાપ્ત માહિતી અનુસાર, રોંગ સાઇડથી આવતી સ્વીફ્ટ કાર એસ.ટી. બસ સાથે ટકરાઈ, જેના કારણે કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓનાં મોત થયાં. આ દરમિયાન, બાઇક ચાલક બસની પાછળ ઘૂસી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી, અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ અને એસ.ટી. ડેપોના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. આસપાસના લોકોનું ટોળું પણ એકઠું થયું. મૃતકો દીવથી પરત ફરતા પાદરાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું. પોલીસે રોંગ સાઇડ ડ્રાઇવિંગને અકસ્માતનું મુખ્ય કારણ ગણાવ્યું અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 (બેદરકાર ડ્રાઇવિંગ) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી.

આ અકસ્માતે નેશનલ હાઇવે પર ટ્રાફિક સલામતીના મુદ્દે ફરી ચિંતા ઉભી કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ઝડપ નિયંત્રણના અભાવે આવા બનાવો વધી રહ્યા છે. પોલીસે ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને ઝડપ મર્યાદામાં વાહન ચલાવવા અપીલ કરી છે.