અમદાવાદમાં ખુલ્યાં ટ્રાઈબ્સ ઈન્ડિયાના ત્રણ નવા શો રૂમ, ખરીદી શકાશે યુનિક ઉત્પાદનો

અમદાવાદ- કેન્દ્રીય આદિજાતિ બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન જસવંતસિંહ ભાભોરે  અમદાવાદ ખાતે ટ્રાઈબ્સ ઈન્ડીયાના ત્રણ નવા શો-રૂમનું ઉદઘાટન કર્યું હતું. જેની સાથે હાલ અમદાવાદમાં શો-રૂમની સંખ્યા 4 થઈ ગઈ છે. આ શો-રૂમમાં આદિવાસી કલાકારો દ્વારા નિર્મિત કાપડ તથા તૈયાર કપડાં, જ્વેલરી, વાંસ તેમજ ધાતુમાંથી બનેલી કલાકૃતિઓ, ચિત્રો અને માટીના ઉત્પાદનો ખરીદી શકાય છે. આ શો-રૂમનું નિર્માણ આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળની સંસ્થા ટ્રાઈફેડ દ્વારા કરવામાં આવ્યું છે.ભાભોરે અમદાવાદ એરપોર્ટ, સી.જી. રોડ અને રિવરફ્રન્ટ ખાતેના શો-રૂમનું ઉદઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દેશના તમામ પ્રમુખ એરપોર્ટ પર ટ્રાઈબ્સ ઈન્ડિયાના શો-રૂમની સ્થાપના કરવી એ ટ્રાઈફેડની પ્રાથમિકતા છે. જ્યાંથી દેશી-વિદેશી પર્યટકો આદિવાસી કલાકૃતિઓની ખરીદી કરી શકે અને પોતાની સાથે લઈ જઈ શકે.ટ્રાઈફેડના પ્રબંધ નિદેશક પ્રવીર કૃષ્ણએ જણાવ્યું કે ગત વર્ષની તુલનામાં ટ્રાઈફેડની ખરીદીમાં રેકોર્ડ 166 ટકા તથા વેચાણમાં 300 ટકા થી વધુની વૃદ્ધિ નોંધાઈ છે, જે આદિવાસી કલાકારોની આજીવિકામાં સુધાર અને આર્થિક ઉન્નયન દર્શાવે છે. ગુજરાતના આદિજાતિ વિકાસ વિભાગના સચિવ આર.સી.મીનાએ ટ્રાઈફેડના કાર્યની પ્રશંસા કરી અને રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ સહાય કરવાનું આશ્વાસન આપ્યું હતું.

ઉદઘાટન સમારોહનું સંચાલન કરતા ટ્રાઈફેડના ક્ષેત્રિય પ્રબંધક વીરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે હસ્તકલાના ઉત્પાદનોના માર્કેટીંગ વિકાસ સાથે ટ્રાઈફેડ દ્વારા લઘુ વન ઉપજોની સમર્થન મૂલ્ય પર ખરીદીનું કામ પણ રાજ્ય સરકારની એજન્સીઓના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે.