ઈન્ડોનેશિયા: સતત વધી રહેલા મૃત્યુઆંક વચ્ચે હવે રોગચાળાનું જોખમ

જકાર્તા- ઈન્ડોનેશિયા સરકારે જણાવ્યું છે કે, સુલાવેસી ટાપુ પર આવેલા ભૂકંપ અને ત્યારબાદ ઉઠેલી સુનામીમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 1200ને પાર કરી ગઈ છે. પહેલા આ સંખ્યા 844 જણાવવામાં આવી હતી. નેશનલ ડિઝાસ્ટર એજન્સીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા હજી પણ વધી શકે છે.આપને જણાવી દઈએ કે, ઈન્ડોનેશિયામાં ગત શુક્રવારે આવેલો ભૂકંપ અને ત્યારબાદ ઉઠેલી સુનામી એટલી શક્તિશાળી હતી કે, મધ્ય સુલાવેસી ટાપુ તબાહ થઈ ગયો છે. સમુદ્ર કિનારે સ્થિત આ શહેરમાં સુનામી આવ્યા બાદ અહીંના મકાનો, રસ્તાઓ અને વૃક્ષો બધું જ સુનામીમાં વહી ગયું છે.

મોટાભાગના મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયાં છે. જેમાં અનેક મૃતદેહો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઈન્ડોનેશિયા સરકાર માટે આ ખૂબ જ ચિંતાનો વિષય છે. કારણકે, ત્યાની ગરમ આબોહવાને કારણે મૃતદેહ જલદી સડવા લાગે છે, જેના લીધે ગંભીર રોગચાળો ફેલાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈન્ડોનેશિયાની સેના રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલી છે. પરંતુ તે પર્યાપ્ત નથી અને ત્યાંના રાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય સહાયની માગ કરી છે.

અહીં ઘણા NGO સેવાકાર્યમાં રોકાયેલા છે. યુનાઈટેડ નેશન્સ ઓફિસ ફોર ધ કોર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેયર્સે જણાવ્યું છે કે, આશરે 1 લાખ 91 હજાર લોકોને તાત્કાલિક અસરથી સહાયની જરુર છે. જેમાં મહિલાઓ અને પુરુષો ઉપરાંત 46 હજાર બાળકો અને 14 હજાર વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. હજી પણ એવા ઘણા વિસ્તારો છે, જે સરકારના બચાવ પ્રયાસોના કેન્દ્રમાં નથી.