પાન, પક્ષીઓનાં પીંછાં પર ચિત્રકલા કરતો આદિવાસી કલાકાર

અમદાવાદઃ શહેરમાં ચાલી રહેલી મેળા-મહોત્સવની મોસમમાં એક આદિવાસી કલાકારો માટેનો મેળો પણ હતો. એમાં રાજસ્થાનના ઉદેપુરથી આવેલા માંગીલાલ ભીલનો સ્ટોલ પણ હતો. માંગીલાલે તૈયાર કરેલાં ચિત્રો આ સ્ટોલ પર મૂકવામાં આવ્યાં હતાં,  જે આખાય મહોત્સવમાં  ઊડીને આંખે વળગે એવાં હતાં.

માંગીલાલ પીપળાનાં પાન પર તેમ જ ‘મોરની’ એટલે કે ઢેલનાં પીંછા પર પીંછી વડે  ચિત્રો તૈયાર કરે છે. માંગીલાલે તૈયાર કરેલા પીંછી અને પાન પરનાં  ચિત્ર દરેક  મેળા મહોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. આદિવાસી મહોત્સવના સ્ટોલ મોરનીનાં પીંછાં પર ચિત્ર દોરતા માંગીલાલ ભીલ ચિત્રલેખા.કોમને કહે છે. હું મુળ ઉદેપુરનો ભીલ આદિવાસી છું. નાનપણમાં સાતમા ધોરણમાં હતો ત્યારથી ચિત્રો દોરતા શીખી ગયો. મારાં દાદી જે રીતે ગ્રામ્ય જીવન અને અમારી લોક સંસ્કૃતિ પર ચિત્રો દોરતાં એ જોઈ મેં પણ પીંછી પકડી અને મારી કારીગરી શરૂ કરી.

 ત્યાર બાદ ઘણાં ચિત્રો બનાવ્યાં અને પ્રદર્શનો પણ કર્યાં. પરંતુ થોડાં વર્ષો પહેલાં નજીકનાં ખુલ્લાં ખેતરો અને જંગલ જેવી જગ્યા પર જતો ત્યારે વિચાર આવ્યો કે આ પાંદડાં પર પણ ચિત્રો દોરાય. મોટાં પાંદડા પર થોડી ‘પ્રોસેસ’ કરી એની પર ચિત્રો દોરવાનું શરૂ કર્યુ.એ જ રીતે ખુલ્લી જગ્યામાં પડેલાં મોટાં પક્ષીઓનાં પીંછાં પર ચિત્રો દોરવાનો વિચાર આવ્યો.

પીંછા પર ચિત્રો દોર્યા એ લોકોએ સ્વીકાર્યાં.પ્રદર્શનોમાં લોકોને પીંછા પરનાં દોરેલાં ચિત્ર ખૂબ જ ગમવા લાગ્યાં. એને સારો પ્રતિસાદ મળ્યો અને પ્રદર્શનોમાં લોકોએ પીંછાં પર બનાવેલાં ચિત્રો ખરીદ્યાં પણ ખરાં. ગુજરાતમાં કોઈ જગ્યાએ સ્ટોલ હોય એટલે લોકોને ભગવાન શ્રીકૃષ્ણનાં ચિત્રો ખૂબ જ ગમે છે. રાધા- શ્રીકૃષ્ણનાં ચિત્રો પાન અને પીંછાં પર વધારે ગમતાં હોવાથી એ માટે વિવિધ કૃતિઓ તૈયાર કરતો રહું છું.

અમદાવાદમાં દિવાળી પછી અનેક મેળા લાગ્યા છે. વસ્ત્રાપુર હાટથી લઈ રિવરફ્રન્ટ સુધી વાંસ, રોગન આર્ટ, આભલા, દુર્લભ ચીજવસ્તુઓ, હસ્તકલા, મોતીકામ, ફર્નિચર જેવા અનેક પ્રદર્શન-મેળા સતત ચાલુ જ જેમાં માંગીલાલનો કુદરતી પાન અને પીંછા પર ફરતી ચિત્રકલાને જોવા લોકો ઊમટી પડે છે. એમાં ‘મોરની’ નાં પીંછા પર ભગવાન શ્રીકૃષ્ણ લોકોને વધુ આકર્ષે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)