નકલી સરકારી ઓફિસ પછી નકલી ટોલનાકું પકડાયું

મોરબીઃ મોરબીના વાંકાનેરમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલતું નકલી ટોલનાકું પકડાયું છે. વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકું ચલાવવામાં આવતું હતું. નકલી ટોલનાકું ઊભું કરી કરોડો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આ મામલે રજૂઆત કરવામાં આવી છે. કોના આર્શિવાદથી આ ટોલનાકું ચાલતું હતું તે મોટો સવાલ ઉભો થાય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બંધ સિરામિક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકું ચલાવતા હતા. ફોર વ્હીલના રૂ. 50, નાના ટ્રકના રૂ. 100, મોટા ટ્રકના રૂ. 200ની ઉઘરાણી કરવામાં આવતી હતી. આ મામલે નિવૃત્ત આર્મીમેન ગણાવતા રવિ નામની વ્યક્તિ સામે આરોપ છે. જ્યારે અધિકારીઓએ યુનિટના માલિકને નોટિસ આપી છે.

વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકું બાયપાસ કરીને ખાનગી માલિકીની જમીનમાં આ ગોરખધંધો ચાલતો હોવાનો આક્ષેપ છે. વગદાર લોકો આ નકલી ટોલનાકું ચલાવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ઉપરાંત નકલી ટોલનાકાનો ખુલાસો થયા બાદ અધિકારીઓએ યુનિટના માલિકને નોટિસ પાઠવી છે. બીજી તરફ છેલ્લા દોઢ વર્ષથી ચાલતા નકલી ટોલનાકા અંગે કોઈ પણ અધિકારીઓના ધ્યાને ન આવતાં હવે શંકાની સોય અધિકારીઓ પર પણ ચીંધવામાં આવી રહી છે.

તાજેતરમાં જ આ નકલી ટોલનાકાનો એક વીડિયો વાયરલ થયા બાદ સૌકોઈ ચોંકી ગયા હતા, ત્યારબાદ અધિકારીઓએ તરત તપાસ હાથ ધરતા વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકું બાયપાસ કર્યું હોવાનો ખુલાસો થયો હતો. હવે મોરબી જિલ્લા અધિકારીઓ અને કલેક્ટર દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ વડા પાસેથી અહેવાલ મગાવાયો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આ સાથે કલેક્ટરને પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ નકલી ટોલનાકા પાછળ કોનો હાથ છે, કોણ કોણ આ અહીં કામ કરતું હતું અને અત્યાર સુધીમાં કેટલાક રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.