શાસ્ત્રી મહારાજ હોસ્પિટલમાં કેથલેબનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉદ્દઘાટન કર્યું

અટલાદરા સ્થિત બીએપીએસ શાસ્ત્રી મહારાજ મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ ખાતે ઉભી કરવામાં આવેલી અદ્યતન કેથલેબનું આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે ઉદ્દઘાટન કર્યું હતું. સેવાભાવનાની ચાલતી આ હોસ્પિટલમાં કેથલેબથી સુવિધા ઉભી થતાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત દરે સારવાર મળશે, એવો દ્રઢ વિશ્વાસ પટેલે વ્યક્ત કર્યો હતો.

રવિવારે સાંજે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ અટલાદરા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમનું સંસ્થાના સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં સંસ્થાના અગ્રણીઓ તેમણે શાસ્ત્રી મહારાજની પ્રતિમા પાસે દોરી ગયા હતા. તેમણે અહીં ભગવાન સ્વામિનારાયણ સમક્ષ જન આરોગ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.  તત્પશ્ચાયત પટેલે આ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. અહીં મળતી વિવિધ પ્રકારની અદ્યતન સારવારની માહિતી મેળવી હતી. દર્દીઓની ઓક્યુપન્સી, મલ્ટિસ્પેશ્યાલિસ્ટ સર્વિસિસ સહિતની બાબતોથી મંત્રીશ્રીને વાકેફ કરવામાં આવ્યા હતા.

આરોગ્ય મંત્રી, સંતો સહિતના મહાનુભાવો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે કેથ લેબનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના સીઇઓ ડો. સમીર બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, આ કેથલેબના પરિણામે કાર્ડિઓલોજીસ્ટ દ્વારા એન્જીઓપ્લાસ્ટી, ઇલેક્ટ્રોફિસિઓલોજી તથા પેસમેકર જેવી સારવાર રાહત મળતી થશે. હોસ્પિટલ ખાતે આગામી સમયમાં બાયપાસ સર્જરી, વાલ્વની સર્જરી જેવી જટીલ સર્જરી માટે તજજ્ઞ તબીબોની સેવા મળતી થશે.

સમાજ સેવાના માધ્યમથી યુવાનોને એઆઇ, આઇટી, ડ્રોન, ઓટોમોબાઇલ જેવા ક્ષેત્રોમાં કૌશલ્યવાન બનાવવાની દિશામાં કાર્ય કરવા મંત્રી પટેલે સંતો સમક્ષ લાગણી વ્યક્ત કરી હતી. બાદમાં મંત્રીએ હોસ્પિટલના સમગ્ર તબીબો અને કર્મયોગીઓ સાથે તસવીરો ખેંચાવી હતી. તેઓ રવિસભામાં પણ સહભાગી બન્યા હતા. આ વેળાએ સંત વિવેકસાગરજી સ્વામી, જ્ઞાન વત્સલ સ્વામી, દંડક બાળુભાઇ શુક્લ, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય મનિષાબેન વકીલ, કારોબારી ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી, અગ્રણી ડો. વિજયભાઇ શાહ અને શ્રી ભરતભાઇ ડાંગર, સંસ્થાના સંયોજક શ્રી સિદ્ધાર્થભાઇ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.