કંડક્ટરોની વતન કે વતનની નજીક બદલીના હુકમોની કાર્યવાહી પૂર્ણ

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વતનથી દૂર ડિવિઝન તેમજ ડેપો ખાતે ફરજ બજાવતા કંડક્ટર કક્ષાના કર્મચારીઓની બદલી અંગે કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ પ્રક્રિયા હેઠળ 16 ડિવિઝન તેમજ 125 ડેપોની વિગતો એકત્રિત તેમજ સંકલીત કરીને જગ્યાના પ્રમાણમાં વતન અથવા વતનની નજીક સિનીયોરીટી મુજબ આ કામગીરી પૂર્ણ કરાઇ છે તેમ, ગુજરાત એસ.ટી.નિગમની યાદીમાં જણાવાયું છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા 1997 કંડક્ટરની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. નિગમમાં ફીક્સ પગારથી નવીન નિમણૂક આપતા અગાઉ જે તે કક્ષામાં વતનની બહાર ફરજ બજાવતા કાયમી તેમજ ફીક્સ પગારથી નિમણૂક પામેલ કર્મચારીઓની જે તે વિભાગ ખાતે જરૂરિયાતના પ્રમાણમાં બદલી કરવામાં આવે છે. કંડક્ટરની કક્ષામાં ભરતી પ્રક્રિયા અંતર્ગત ઓક્ટોબર 2018 દરમિયાન દસ્તાવેજ ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દસ્તાવેજ ચકાસણી બાદ પાત્રતા ધરાવતા ઉમેદવારોને નિમણૂક આપતા અગાઉ વતનથી દુરના વિભાગ તેમજ ડેપો ખાતે ફરજ બજાવતા કંડક્ટરની કક્ષાના કર્મચારીઓની બદલી અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

દરમિયાનમાં ડીસેમ્બર માસમાં લોકરક્ષકદળની પરીક્ષા પુનઃ લેવાની જરૂરિયાત ઉભી થતા મુખ્યમંત્રીશ્રી દ્વારા ‘લોકરક્ષક દળની પરીક્ષા જ્યારે ફરીથી લેવાય ત્યારે તમામ ઉમેદવારોને વિનામુલ્યે એસ.ટી. બસમાં પરીક્ષા સ્થળ સુધી મુસાફરી કરવા અંગે જાહેરાત કરાઇ હતી. જે હવે લોકરક્ષકદળની પરીક્ષા તા.6/1/2019ના રોજ લેવાનું નક્કી થતાં આશરે 8.75 લાખ જેટલા પરીક્ષાર્થીઓ માટે પ્રાથમિક્તા આપવાની હોવાથી સમગ્ર નિમગના અધિકારીઓ તેમજ સુપરવાઇઝરો આ કામગીરીમાં વ્યસ્ત હોઇ જેના કારણે અન્ય વહીવટી કામગીરીમાં વિલંબ થયો છે. નિગમ દ્વારા કંડક્ટરની કક્ષામાં નિમણૂક આપવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.