સીએમ રૂપાણી અને કોંગ્રેસના શક્તિસિંહે ભાનુશાળીની હત્યા અંગે શોકની લાગણી વ્યક્ત કરી

અમદાવાદ- ગુજરાતમાં ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી છે. અહેવાલો પ્રમાણે ચાલુ ટ્રેનમાં બે અજાણ્યા શખ્સોએ ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરી નાખી છે. ભાનુશાળી સયાજીનગરી ટ્રેનમાં ભૂજથી અમદાવાદ જઈ રહ્યાં હતાં, ત્યારે આ ઘટના ઘટી હતી.

આ ઘટનાને દુ:ખદ ગણાવતા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદમાં પત્રકારો સમક્ષ કહ્યું કે, આ ઘટનાના મૂળ સુધી જઈ ત્વરિત કાર્યવાહી કરીને ગુન્હેગાર સામે કડક માં કડક પગલાં લેવા રેલ્વે પોલીસ આર.પી.એફ અને જિલ્લા પોલીસને રાજ્ય સરકારે સૂચના આપી છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે પણ જયંતી ભાનુશાળીના મૃત્યુ અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે. શક્તિસિંહે કહ્યું કે, જયંતી ભાનુશાળી સાથે વિધાનસભામાં એક સાથી સભ્ય તરીકે અને ત્યારબાદ અબડાસાના ધારાસભ્ય તરીકેના પ્રતિનિધિત્વના કાળ દરમિયાન એક પૂર્વ ધારાસભ્ય તરીકે કામ કરવાનો અવસર મળ્યો હતો. જયંતી ભાનુશાળીની જે રીતે નિર્મમ હત્યા કરવામાં આવી છે તે અતિ દુઃખદ અને સમગ્ર રાજ્ય માટે ચિંતાનો વિષય છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતમાં અત્યંત કથળી ગઈ છે. પોલીસ તંત્રમાં ખુબ જગ્યાઓ ખાલી છે અને ફિક્સ પગાર જેવી ભાજપ સરકારની નીતિના કારણે સરકારી તંત્રમાં એક માયુસી અને શિથિલતા પેદા થઈ છે.

રાજ્ય સરકારની  IB (ઇટેલીજન્સ બ્યુરો)નું કામ ખુફિયા માહિતી મેળવીને ગુનાહિત પ્રવૃત્તિ ન બને તેની આગોતરી ચિંતા કરવાનું હોય છે પરંતુ ભાજપની  રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની IB નો ઉપયોગ માત્ર રાજકીય ફાયદા માટે જ કરે છે અને પોતાના રાજકીય સ્વાર્થ માટે IB ના દુરઉપયોગનાં કારણે જે રાજ્યની અને રાજકીય નેતાઓની સુરક્ષા માટે IB નું કામ છે તે થઈ શકતું નથી અને પરિણામે જયંતી ભાનુશાળીની હત્યા જેવી કમનસીબ ઘટનાઓ બને છે.