કચ્છના ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય જયંતી ભાનુશાળીની સયાજીનગરી એક્સપ્રેસમાં હત્યા

ભૂજ – ગુજરાતના કચ્છ જિલ્લાના અબડાસાના ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય જયંતીલાલ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે. ગઈ કાલે રાતે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં અજાણ્યા શખ્સો દ્વારા ગોળી મારીને એમની હત્યા કરવામાં આવી છે. ભાનુશાળી ભૂજથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે ઠાર કરવામાં આવ્યા હતા.

જયંતી ભાનુશાળી સામે બળાત્કારનો આરોપ હતો. ભાનુશાળી ગુજરાત ભાજપના ઉપપ્રમુખ પણ હતા પણ બળાત્કારનો આરોપ મૂકાયા બાદ એમને પદ પરથી ઉતારી મૂકવામાં આવ્યા હતા. ભાનુશાળી 2007માં અબડાસામાંથી વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

(ફાઈલ તસવીર) ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ સાથે જયંતીલાલ ભાનુશાળી

સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન ગઈ કાલે રાતે લગભગ 1.35 વાગ્યે મોરબી જિલ્લાના માળિયા પાસે પહોંચી ત્યારે કટારિયા-સુરબારી સ્ટેશનો વચ્ચે એરકન્ડિશન્ડ કોચમાં ભાનુશાળીને ઠાર મારવામાં આવ્યા હતા. ભાનુશાળીને બે ગોળી મારવામાં આવી હતી. એક ગોળી એમની આંખમાં અને બીજી છાતીમાં વાગી હતી.

મોરબી જિલ્લા પોલીસે આ બનાવમાં તપાસ શરૂ કરી દીધી છે. અંગત અદાવતને કારણે આ હત્યા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હત્યાની જાણ થયા બાદ રેલવે પોલીસે ટ્રેનને માળિયા ખાતે જ રોકી દીધી હતી અને સવારે સાડા ચાર વાગ્યે આગળની સફર માટે રવાના કરવામાં આવી હતી. રેલવે પોલીસે હત્યા થઈ તે એસી કોચની અંદરનું રેકોર્ડિંગ કરાવ્યું છે. ચાલુ ટ્રેનમાં હત્યા થતાં સુરક્ષાને લગતો મામલો પણ ચર્ચાસ્પદ બન્યો છે.

એક યુવતીએ પોતાની પર જયંતી ભાનુશાળીએ બળાત્કાર કર્યો હોવાનો ગયા વર્ષે આરોપ મૂક્યો હતો. ભાનુશાળીએ એ આરોપને નકારી કાઢ્યા હતા.

એક અહેવાલ અનુસાર, ફરિયાદી મહિલાએ કેસ પાછો ખેંચી લીધા બાદ ગુજરાત હાઈકોર્ટે જયંતી ભાનુશાળી સામેનો બળાત્કારનો કેસ રદબાતલ કર્યો હતો. પોતે ભાનુશાળી સાથે કોર્ટબહાર સમાધાન કરી લીધું હોવાથી પોતે કેસ પાછો ખેંચવા માગે છે એવું ફરિયાદી મહિલાએ સોગંદનામું નોંધાવ્યું હતું અને કોર્ટે તેનો સ્વીકાર કર્યો હતો.

ત્યારે આ કેસમાં SIT ની રચના કરવામાં આવી છે, એટીએસ અને ક્રાઈમ બ્રાંચને સાથે રાખીને આ એસઆઈટીની રચના કરવામાં આવી છે. રેલવે પોલીસ, એટીએસ અને ક્રાઈમબ્રાંચ કરશે તપાસ.

જયંતિ ભાનુશાળીના ભાઈ શુંભુ ભાનુશાળીએ ગંભીર આક્ષેપ કરતા છબીલ પટેલનું નામ લીધુ છે. તેમને છબીલ પટેલ સહિત 4થી 5 લોકો પર હત્યાની શંકા વ્યક્ત કરી છે. આ સાથે જ ભાનુશાળીના પરિવારજનો તેમજ તેમની પત્નીએ છબીલ પટેલે હત્યા કરાવી હોવાનો આરોપ મૂક્યો છે. જયંતિ ભાનુશાળીના પત્નીએ કહ્યું કે,’છબિલ પટેલે અગાઉ પણ મારા પતિ પર આક્ષેપો કર્યા હતા, મારા પતિની હત્યા કરાવી તે વિદેશ જતો રહ્યો છે, સોપારી આપીને છબીલ પટેલે જ હત્યા કરાવી છે’.

જયંતી ભાનુશાળીની હત્યા જે કોચમાં કરવામાં આવી છે તે કોચને અત્યારે કાલુપુર ખાતે રાખવામાં આવ્યો છે અને તે કોચમાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે જયંતિ ભાનુશાળીના પરિજનો અત્યારે આ કેસ મામલે સખત તપાસ થાય તેની માંગણી કરી રહ્યા છેે.