અમદાવાદઃ હાઇકોર્ટે બહુ ગંભીર અને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકામાં વાહનો વધવાની સાથે-સાથે ટ્રાફિકની સમસ્યા બહુ જટિલ બની છે, જેને કારણે ટ્રાફિક મેનેજમેન્ટ પણ ઘણું મુશ્કેલ બન્યું છે. એ સાથે સાથે અકસ્માતો પણ એટલા વધ્યા છે. આ સાથે ચીફ જસ્ટિસના વડપણ હેઠળની ખંડપીઠે લકઝરી બસ સંચાલકોની શહેરમાં પ્રવેશ મુદ્દે તેમને હાલના તબક્કે રાહત આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને જણાવ્યું હતું કે લકઝરી બસોની શહેરમાં પ્રવેશબંધી હાલ ભલે યથાવત્ રહે. લકઝરી બસોને સવારે આઠથી 10 કલાક દરમ્યાન પ્રવેશ આપી શકાય નહીં.
હાઇકોર્ટે એમ પણ ટિપ્પણી કરી હતી કે પોલીસ ઓથોરિટી દ્વારા જાહેરનામા મારફતે લક્ઝરી બસો પર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા લાદવામાં આવેલાં નિયંત્રણોને કોઈ પણ તાર્કિક કારણો કે તથ્યો વિના ગેરવાજબી કે ગેરકાયદે કહી શકાય નહી. હાઇકોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે જે લોકો લક્ઝરી બસોનો ઉપયોગ કરવા માગે છે તેમની સુવિધા કે વ્યવસ્થા કરવાની જવાબદારી લકઝરી બસ સંચાલકોની જ હોય.
શહેરમાં લકઝરી બસોને પ્રવેશ મામલે ફરી એક વાર હાઇકોર્ટે લક્ઝરી બસ સંચાલકોને કોઇ રાહત આપી ન હતી. અગાઉ જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીએ મહત્ત્વના ચુકાદા મારફતે લક્ઝરી બસોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતાં શહેર પોલીસ કમિશનરના જાહેરનામાને યોગ્ય, કાયદેસર અને વાજબી ઠરાવી તેને બહાલી આપી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, અગાઉ 2004ના આ જ પ્રકારના જાહેરનામાને ખુદ સુપ્રીમકોર્ટે પણ બહાલ અને માન્ય રાખ્યું હતું. ગુજરાત પોલીસ એકટની કલમ-33(1)(બી) અને (સી) હેઠળ પોલીસ કમિશનરને આવું જાહેરનામું કરવાની સત્તા છે અને અદાલતના મતે, પોલીસ કમિશનરના આ જાહેરનામાથી બંધારણની કલમ-301 કે 304નો કોઇ જ ભંગ થતો નથી.