અમદાવાદઃ શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી સદુ માતાની પોળમાં વર્ષોથી નવરાત્રિમાં એક અનોખી પરંપરાનું પાલન કરવામાં આવે છે. આ પરંપરા મુજબ અહીંના સ્થાનિક પુરુષો સ્ત્રીઓનો વેશ ધારણ કરીને એટલે કે સાડી પહેરીને આ વર્ષે પણ આઠમની રાતે ગરબે ઘૂમ્યાં હતાં. 202 વર્ષથી ચાલી આવતી આ પરંપરાનું નાવીન્ય અને શ્રદ્ધાને લઇને આખા ગુજરાતમાં વસતાં બારોટસમાજ માટે આ ગરબા અનેરું મહત્ત્વ ધરાવે છે.
અમદાવાદના શાહપુરમાં આવેલી સદુમાતાની પોળમાં બારોટ સમાજમાં એક સતી માતાની યાદમાં આ સમાજના લોકો આઠમની રાતે મહિલાના કપડાં પહેરીને ગરબા રમે છે. આ ગરબા ગાવા માટે આ પુરુષોને તેમની જ પત્નીઓ મહિલાઓના કપડા પહેરાવીને તૈયાર કરે છે. અહીંના લોકો માતા સામે માનતા રાખે છે જે પૂર્ણ થતાં ગરબે ઘુમવા માટે લોકો આવે છે. આ પરંપરા અહીં વસતા સ્થાનિકો અને અહીંથી બહાર વસતા બારોટ સમાજના લોકો જાળવી રહ્યાં છે. આ ગરબાને જોવા માટે મોટી સંખ્યામાં આસપાસના લોકો પણ આઠમના દિવસે આવે છે.