કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા રથ પ્રસ્થાન કરાવતાં DyCm નિતીન પટેલ

આણંદઃગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઈ પટેલે આણંદ જિલ્લાના કરમસદ ખાતેના સરદાર પટેલના જીવન સંદેશને લઇને વડોદરા ઝોનમાં કરમસદ ખાતેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા રથયાત્રા અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી એકતા રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

નીતિન પટેલે જણાવ્યું કે ગાંધીજી સાથે દેશની આઝાદીની લડતમાં જોડાયેલા દેશ ભકતોમાં સરદાર વલ્લભભભાઇ પટેલ એક અગ્રગણ્ય સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ એક સફળ તેજસ્વી વિદ્યાર્થી સાથે બેરીસ્ટર પણ હતા. પૂ. મહાત્મા ગાંધી સાથે મુલાકાત બાદ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા ત્યારથી શરૂ કરીને સરદાર વલ્લભભાઇ પટેલના સમગ્ર જીવન દરમિયાનના વિવિધ સત્યાગ્રહો, કુદરતી આફતો અને અવરોધો વચ્ચે તેમણે અમદાવાદ નગરપાલિકાના પ્રમુખથી શરૂ કરીને નાયબ વડાપ્રધાન સુધીની સફરની જીવન ઝરમરની ઝાંખી કરાવી હતી.

સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી બાદ દેશની એકતા-અખંડિતતા માટે ૫૫૦થી વધુ રાજા-રજવાડાઓના વિલિનીકરણ કરવા માટે ભજવેલ ભૂમિકાની અને હૈદરાબાદના નિઝામ અને જૂનાગઢના નવાબને કેવી રીતે વિલિનીકરણ કરવા માટે તૈયાર કર્યા હતા તેનો ઇતિહાસ પણ રજૂ કર્યો હતો.

નીતિન પટેલે જણાવ્યું કે આઝાદી પછી સ્વાતંત્ર્ય સેનાનીઓનો ઇતિહાસ પહોંચાડવામાં ન આવ્યો જેના કારણે એક જ વ્યક્તિ-પરિવારે આઝાદી અપાવી તેવા વાતાવારણનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેના કારણે સરદાર પટેલની વિરાટ અને વિરલ પ્રતિભાને ઉજાગર કરવા અને ભાવિ પેઢી સરદાર પટેલના માર્ગદર્શન સિધ્ધાંતોને જાણી શકે અને તેમના માર્ગે ચાલીને દેશની એકતા-અખંડિતતા અને સાર્વભૌમત્વને બરકરાર રાખવા માટેનો એક પ્રેરણાદાયી માધ્યમ બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.