આ ક્ષેત્રોમાં રીસર્ચ-ડેવલપમેન્ટ-ઇનોવેશન માટે 50 લાખની સહાય આપશે સરકાર

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજ્યમાં જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થા – નોલેજ બેઇઝડ ઇકોસિસ્ટમના વિકાસ માટે ટેકનોલોજીમાં રીસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન માટે સહાય આપવાની યોજના મંજૂર કરી છે. મુખ્યપ્રધાને તેમના ઇઝરાયેલ પ્રવાસની ફલશ્રુતિ રૂપે રાજ્યમાં સાયન્સ ટેકનોલોજી ક્ષેત્રે રીસર્ચ-ડેવલપમેન્ટ ઇનોવેશનને વેગ આપવા રૂ.પ૦ કરોડનું ફંડ રચવાનો નિર્ણય કર્યો છે.

આ હેતુસર સાયન્સ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન STI ફંડ રચવાનો નિર્ણય કર્યો છે તેના ભાગ રૂપે પ્રથમ તબક્કે રૂ.પ૦ લાખની સહાય અપાશે.  મુખ્યપ્રધાને બાયો ટેકનોલોજી પોલિસી અને સંશોધન સહાય, I.T પોલિસી અને તે અન્વયે સહાય તેમજ ઇલેકટ્રોનિક પોલિસી અને સ્ટાર્ટઅપ પોલિસીની સહાય જાહેર કર્યા બાદ હવે નોલેજ બેઇઝ ઇકોસિસ્ટમમાં સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશનના સિંહ ફાળાને ધ્યાને રાખી સહાયનો આ નવતર અભિગમ અપનાવ્યો છે.

રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે આ હેતુસર જે ક્ષેત્રોને હાઇ એન્ડ ટેકનોલોજી અને ઇનોવેશન માટે પસંદ કર્યા છે તેમાં આર્ટિફીશિયલ ઇન્ટેલીજન્સ અને રોબોટીકસ, બાયોટેકનોલોજી, પોલીમર્સ અને સ્પેશીયલ મટીરીયલ્સ, નેનોટેકનોલોજી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) સોલ્યુશન્સ, એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ, વેસ્ટ ટ્રીટમેન્ટ અને મેનેજમેન્ટ સોલ્યુશન્સ, પોલ્યુશન અબેટમેન્ટ, સસ્ટેનેબલ હેબીટેટ, ન્યુટ્રીશન સેન્સીટીવ રીસર્ચનો સમાવેશ થાય છે.

  • સંશોધન સહાય માટેના પ્રોજેકટ માટે મહત્તમ રૂ. પ૦ લાખની સહાય
  • રાજ્ય-કેન્દ્ર સરકારની યુનિવર્સિટી – UGC કે AICTE માન્ય યુનિવર્સિટી-કોલેજ સંસ્થાઓના સંશોધકો લાભ લઇ શકશે
  • યુવા વિદ્યાર્થીઓ-શિક્ષકો સંશોધકોને ક્રિયેટીવીટી-ઇન્ટેલીજન્સ ખિલવવાની વ્યાપક તક મળશે 

સંશોધન સહાય માટેના પ્રોજેકટની મહત્તમ નાણાંકીય મર્યાદા રૂ.પ૦ લાખ તથા પ્રોજેકટની સમયમર્યાદા પણ વધુમાં વધુ ૩ વર્ષની રાખવામાં આવી છે. આ યોજના અન્વયે ચોક્કસ રકમનું ભંડોળ ઊભું કરવામાં આવશે. યોજનાનો અમલ ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા કરવામાં આવશે. ગુજરાતે આ સંશોધન સહાયની દેશમાં પહેલરૂપ યોજના શરૂ કરવાનું ગૌરવ મેળવ્યું છે. રાજ્યના હજારો નવ યુવા વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકો વગેરેને આ નોલેજ બેઇઝડ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટ સાથે જોડીને તેમની આંતરિક શકિતઓ, ક્રિયેટીવીટી, ઇન્ટેલીજન્સને ખિલવવાની તક ઉપલબ્ધ થશે. આમ, આ નવતર અભિગમને કારણે રાજ્યના શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓની રિસર્ચ એકટીવીટીઝને વેગ મળશે.રાજ્ય સરકારે પસંદ કરેલા ક્ષેત્રોમાં સંશોધન દ્વારા રાજ્યની મુખ્ય સમસ્યાઓ/પ્રશ્નો તજ્જ્ઞો દ્વારા અલગ તારવવામાં આવશે અને તેના ઉકેલ માટે સંશોધન સહાય આપવામાં આવશે. આ સંશોધન સહાય કોઇ સંશોધકને અથવા સંશોધકની ટીમ/ગ્રુપને મંજૂર કરવામાં આવશે. આ પ્રકારની મંજૂરી માટે તજ્જ્ઞો દ્વારા સંશોધન પ્રોજેકટની ચકાસણી અને ભલામણ કરવામાં આવશે.

રાજ્ય સરકારની કે રાજ્ય સરકાર સહાયિત અથવા બિનવાણિજ્યિક ધોરણે કામ કરતી સંસ્થા, રાજ્ય કે કેન્દ્ર સરકારની યુનિવર્સિટી, UGC કે AICTE માન્ય યુનિવર્સિટી, કોલેજ અને સંસ્થાઓના સંશોધકો પણ અરજી કરી શકશે.  આ યોજનાના અમલ માટે ટેકનીકલ સલાહકાર સમિતિની રચના કરવામાં આવશે અને તેના તજ્જ્ઞો સંશોધન પ્રોજેકટની દરખાસ્તોની ચકાસણી કરીને જરૂરી ભલામણો કરશે. આ ભલામણો GUJCOSTની કાર્યવાહક સમિતિની મંજૂરી મેળવીને સહાય ચુકવવામાં આવશે. આ સંશોધન દ્વારા ઉપસ્થિત થતી બૌધિક સંપદા (Intellectual Property)ની વહેંચણી માટેના ધારાધોરણો પણ નિયત કરવામાં આવ્યા છે.આ યોજના દ્વારા માત્ર બેઝીક રિસર્ચના બદલે એપ્લાઇડ રિસર્ચ કરીને રાજ્યની મહત્વની / તારવેલી સમસ્યાઓને વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણ દ્વારા ઉકેલી શકાશે અને સમાજની સુખાકારીમાં ફાળો આપશે. વિદ્યાસંકુલોમાં થતા સંશોધનોને ઇનોવેશન અને એપ્લાઇડ સ્વરૂપ આપીને સમાજ અને ઉદ્યોગો માટે નવી પ્રોડકટ અને સર્વિસ લાઇન ઉભી કરી શકાશે. રાજ્યમાં સંશોધન, વિકાસ અને ઇનોવેશન માટે થતા પ્રયાસોને પ્રોડકટ આધારિત અથવા સ્થાનિક જરૂરિયાતોને સંતોષવા માટે કાર્યરત કરી શકાશે. રાજ્યના વિદ્યા અને સંશોધન સંકુલોમાં સાયન્ટીફીક ટેમ્પર, સેન્સીટીવીટી અને ઇન્કવેઝીટીવનેસ વધારી શકાશે. એટલું જ નહિ, રાજ્યના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકોનું કેપેસિટી બિલ્ડીંગ થશે અને તેનો લાભ ઉદ્યોગો અને અર્થવ્યવસ્થાને મળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]