અમદાવાદ: શહેરમાં ગેરકાયદે શંકાસ્પદ ધર્માંતરણનો મામલો સામે આવ્યો છે. શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં આવેલા કોમર્શીયલ બિલ્ડીંગમાં ખ્રિસ્તી સમાજના પ્રાર્થના સભાના હોલમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી હતી. મૂળ હિન્દુ ધર્મના લોકોનું ગેરકાયદે ધર્માંતરણ કરાતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ મામલે અમદાવાદ પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે.
સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર એલિસબ્રીજ વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં ધર્માંતરણ થતું હોવાની પોલીસને બાતમી મળી હતી. ધર્માંતરણ થતા હોવાની આશંકાએ પોલીસે ઘટના સ્થળે રેડ કરી હતી. આ મામલે 26 લોકો ધર્માંતરણ માટે ભેગા થયાની માહિતી મળી હતી. આ ઉપરાંત પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, દર રવિવારે 26 લોકો પ્રાર્થના સભામાં આવતા હતા. જોકે, પોલીસે ગેરકાયદે ધર્માંતરણની શંકાના આધારે ત્રણ લોકોની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. અમદાવાદ પોલીસે ખતરી પણ આપી છે કે આ ઘટના અંગે પુરતી તપાસ કરી ધર્માંતરણ કરેલા લોકોના ડોક્યુમેન્ટી પણ તપાસ કરવામાં આવશે.
