અમદાવાદઃ સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઈને વિવાદ વકર્યો છે.સાળંગપુર હનુમાનજી મંદિરમાં આવેલી કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમાની નીચે બનેલી કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યાં છે, જેમાં સ્વામિનારાયણ ભગવાન ઊભા છે અને હનુમાનજી તેમને પ્રણામ કરતા હોય તેવા શિલ્પ છે. આ શિલ્પમાં સ્વામિનારાયણ ભગવાનને હનુમાનજી પ્રણામ કરતા હોય એવું ચિત્ર બતાવવામાં આવતાં હિન્દુ સંગઠનો આક્રમક બન્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતનાં સંગઠનોએ આ ભીંતચિત્રો હટાવવા ઉગ્ર માગણી કરી છે. હવે બ્રહ્મ સમાજે પણ આ મુદ્દે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાળંગપુર વિવાદમાં હિન્દુ ધર્મના પ્રતિષ્ઠિત મંદિરોના મહંતો પણ મેદાનમાં ઉતર્યા છે. અને સૌકોઈને મર્યાદામાં રહેવાનું સૂચવ્યું છે.
રાજકોટના બ્રહ્મ સમાજે સંતોને પાંચ સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. બીજી તરફ ઋષિભારતી બાપુએ પણ કહ્યું છેકે ‘ભીંતચિત્રો નહીં હટાવાય તો કરીશું ઉગ્ર આંદોલન’. આ મામલે અનેક સંગઠનો દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સંપ્રદાયોનો દાટ વાળવા માટે સાધુ થયા?: ઈન્દ્રભારતીબાપુ
ઈન્દ્રભારતીબાપુએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે સાળંગપુરની અંદર હનુમાનજી મહારાજની મૂર્તિ બેસાડી એનું આપણે ગૌરવ અનુભવીએ છીએ, પણ એની નીચે જે ઘનશ્યામજી પાંડે બેઠા છે અને હનુમાનજી મહારાજ તેમને હાથ જોડે છે. આ કંઈ વાજબી કહેવાય? આ કંઈ ધર્મ કહેવાય? આ ધર્મનો દાટ વાળવા માટે સાધુ થયા છો? સંપ્રદાયોનો દાટ વાળવા માટે સાધુ થયા છો? જે સનાતન ધર્મનાં દેવી-દેવતાઓને નીચે દેખાડે છે. આ બધી વસ્તુઓથી અમને દુ:ખ થાય છે. આવી રીતે દર વખતે કરીને પછી હું માફી માગું છું, અમે માફી માગીએ છીએ. અરે ભાઈ, આવું કરીને માફી જ માગવાની તમારે? સનાતનની અંદર તમે પોતે પણ સનાતની છો.
શું છે વિવાદ?
બોટાદના સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરે વિશ્વ પ્રસિદ્ધ ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમાનાં ભીંતચિત્રોને લઈને મામલો ગરમાયો છે. આ ભીંતચિત્રોની તસવીરો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં હનુમાનજીના ભક્તો લાલઘૂમ થઈ ગયા છે. આ ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે.
હનુમાનજીના ભીંતચિત્રોને લઇ સાધુ-સંતોમાં આકરો રોષ જોવા મળી રહ્યો છે. ઈન્દ્રભારતી બાપુ બાદ હવે જૂનાગઢના શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરીબાપુએ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે. તેઓ કહ્યું કે, સમસ્ત સનાતન ધર્મની લાગણી દુભાવી દે તેવી તસવીરો સામે આવી છે, સ્વામિનારાયણ સંપ્રદાય શું કામ આવું વારંવાર કરે છે તે નથી સમજાતું.