યોગવિદ્યા સાથે અમદાવાદમાં ગ્રીન રીવોલ્યુશન લાવી રહી છે આ સંસ્થા…

અમદાવાદઃ શહેરના શાહીબાગ સર્કિટ હાઉસ, નમસ્તે સર્કલથી કમિશનર ઓફિસ તરફ જતો રોડ, ગુજરાત યુનિવર્સિટી જેવા અનેક વિસ્તારોમાં નવા વૃક્ષો વાવી એનું જતન થતું જોવા મળી રહ્યું છે. રોડની વચ્ચેના ભાગમાં કે ફૂટપાથની એક તરફ રોપવામાં આવેલા વૃક્ષોની રોપણી અને ઉછેર ‘એ.એમ.સી. અને ગુરુચરણ ગ્રીન રીવોલ્યુશન તપોભૂમિ યોગવિદ્યા’ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા અને આ સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાની વૃક્ષો ઉછેરવાની કામગીરી ઉડીને આંખે વળગે એવી છે. કોર્પોરેશનનો સ્ટાફ અને ગુરુચરણ ગ્રીન રીવોલ્યુશનનાં વિદ્યાર્થીઓ ભેગા મળીને વૃક્ષો રોપી, એ સચવાય એ માટે જાળી, લીલા રંગના પડદા અને એની ઉપર જરૂર પડે લીલા રંગની નેટ મૂકે છે. સાથોસાથ, વૃક્ષોને નિયમિત પાણી મળી રહે એવી ગોઠવણ કરવામાં આવે છે. ઉનાળાની સખત ગરમીમાં, ભારે વરસાદમાં અને વાવાઝોડા દરમિયાન વૃક્ષોનું રુબરુ જઇ ધ્યાન રાખવામાં આવે છે.

ગુરુચરણ ગ્રીન રીવોલ્યુશનનાં અગ્રણી અંજના ચિંતન શાહ ચિત્રલેખા.કોમને કહે છે 70 લોકોનો વર્ગ પરમ પૂજય ગુરુદેવશ્રી શ્રીમાન ચંદ્રભાનુ ભટ્ટાચાર્યજી પાસેથી યોગવિદ્યા શીખે છે. ગુરુદેવશ્રીએ યોગવિદ્યાના અભ્યાસ અંતર્ગત અમને શીખવેલો એક અમૂલ્ય પાઠ કે જ્યારે કોઇપણ વ્યક્તિ શારીરિક અને માનસિક બંને રીતે ઉત્ક્રાંતિ પામે ત્યારે એની સાથે જે તે વ્યક્તિની રાષ્ટ્ર પ્રત્યે, સમાજ પ્રત્યે કેટલીક નૈતિક જવાબદારીઓ પણ બને છે. જેમકે ‘પ્રકૃતિનો ઉપભોગ નહીં, પણ પ્રકૃતિને ઉપયોગી થાઓ!’ આથી અમે વિદ્યાર્થીઓએ જીવનના સત્યાર્થને પામવા, ક્રમ પૂર્વક સ્વદેશી વૃક્ષોને શહેરની અંદર રોપવાની તેમજ ભાળ લેવાની શરૂઆત કરી છે.

અમારાં વર્ગમાં એવા કેટલાંય વિદ્યાર્થીઓ છે કે જેઓ ખ્યાતનામ ડોકટર, વૈજ્ઞાનિક, ઇજનેર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, નેવી અધિકારી, પોલીસ અધિકારીઓ તેમજ શિક્ષકો છે. સમાજ માટે તેઓની ભૂમિકા અનિવાર્ય અને વ્યસ્ત હોવાથી તેઓની પાસે વૃક્ષો રોપવા તેમજ સંભાળ લેવા માટે પૂરતો સમય ન હોઈ શકે. આથી અમે ‘ગુરુચરણ ગ્રીન રિવોલ્યુશન’ નામના ગ્રુપની શરૂઆત કરી છે કે જેથી અમે અવિરતપણે સમાજની સાથોસાથ પ્રકૃતિને ઉપયોગી થઈ શકીએ.

આ ગ્રુપમાં અમે શક્ય હોય તેવાં બધાં જ પ્રકારે ફાળો આપીએ છીએ. સૌ વિદ્યાર્થીઓ કાળજીપુર્વક, નિષ્ઠાપૂર્વક સમય કાઢી, જાતે જ સ્વયંસેવક બની, અન્ય ખૂબ વ્યસ્ત વિદ્યાર્થીઓની જગ્યા પોતે લઈ, સ્વેચ્છાએ ભિન્ન ભિન્ન જવાબદારીઓ પોતાના શિરે લઈ વૃક્ષારોપણ કરે છે.

સંસ્થામાં વૃક્ષારોપણ અને એની જાળવણીની જવાબદારી સંભાળતાં અંજના શાહ કહે છે, અમે એક ગ્રુપ બનીને આશરે 20,000 રોપા જુદી જુદી જગ્યાએ રોપ્યાં છે.

જેમ કે…

  1. શાહીબાગ ખાતે ફૂટપાથ અને રસ્તાનાં ડિવાઇડર, હઠીસિંગની વાડી, સરદાર સ્મારક, પોલીસ લાઈન અને પોલીસ સ્ટેશનની બાજુનાં પ્લોટમાં, મ્યુસ કબ્રસ્તાન, સ્વામિનારાયણ મંદિર, મહેશ્વરી સેવા સદન, ફિઝિઓથેરાપી સિવિલ હોસ્પિટલ,
  2. અસારવા ખાતે અસારવા બેઠક, PWD ઓફિસ, અસારવા તળાવ, નીલકંઠ મહાદેવ મંદિર ઉપરાંત બીજા ઘણાં મંદિરના પ્રાંગણમાં.
  3. વેજલપુર ખાતે શ્રીનંદનગર સોસાયટી ભાગ-૪, શ્રીરામનગર સોસાયટી, પ્રહલાદનગરનો બગીચો,
  4. નવરંગપુરા ખાતે ગુજરાત યુનિવર્સિટીની ફૂટપાથ અને LD એન્જિનિયરીંગ કોલેજના કેમ્પસ,
  5. કલોલ સાંતેજ ખાતે અરવિંદ મિલ,
  6. ગોમતીપુર અને ખમાસાના કબ્રસ્તાનમાં,
  7. ખોખરા ખાતે એપરલ પાર્ક-SEZ,
  8. ગાંધીનગરમાં ૪૧ કડવા પટેલ સમાજ
  9. મહારાષ્ટ્રમાં દહાણુ ખાતે, વગેરે જગ્યાએ રોપ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હરિયાળા ભારત’ની દુરદર્શીતાને અનુલક્ષીને, ‘મિશન મિલિયન 2018’નું આહવાન  કરતાં AMCએ અમને એમની જ  ટીમનાં એક ભાગ સ્વરુપે સ્વીકારી, અદભુત સમર્થન તેમજ પ્રોત્સાહન પૂરું પાડતાં આ મહત્વપૂર્ણ ઝૂંબેશ ચલાવવાની  પરવાનગી આપી છે. તેમજ અમને 20,000 કરતાં વધારે વૃક્ષારોપણ કરવા માટે સહાયતા અને આધાર પૂરાં પાડ્યા છે. જ્યાં સુધી છોડ સંપૂર્ણ રીતે ઉછરી ન જાય ત્યાં સુધી અમારી ટીમ તેની સારસંભાળ રાખવા હંમેશા ખડેપગે રહે છે.

સંસ્થાનાં કાર્યકર અમી પંચાલ કહે છે, સંસ્થાના અગ્રણી ગુરુદેવશ્રીનો સંકલ્પ છે કે આપણું આ ઐતિહાસિક શહેર અમદાવાદ, સુંદર સ્વદેશી વનસ્પતિઓથી તેમજ ઘટાદાર વૃક્ષોથી ઢંકાઇ જાય. જેથી શહેરનું પર્યાવરણ શુદ્ધ અને સુગંધિત વાતાવરણથી પરિપૂર્ણ બને, ચારેય બાજુ દિવ્ય જીવંત વાયુમંડળ સર્જાય, શહેરમાં વિહરતા બધાં જ સજીવોને પોતાની ભૂખ સંતોષવા માટે પૂરતા પ્રમાણમાં આહાર મળી રહે. દરેક જીવાત્માને શાંતિપૂર્ણ આરામ કરવા માટે છાંયડો મળી રહે. ગુરુના આ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે અમે સૌ યોગવિદ્યાનાં વિદ્યાર્થીઓ શિષ્ય તરીકે કટિબદ્ધ થઇ શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યાં છીએ.

આ સંસ્થાના કાર્યકરો ભારતના વાતાવરણને અનુરૂપ ધાર્મિક અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વૃક્ષો વાવીને તેમનો ઉછેર કરે છે. જેમાં ઓક્સિજન આપતો પીપળો, બીલી, સીતા, અશોક, ઘટાદાર વડ, ફળ અને ફૂલ જેવા અનેક વૃક્ષોનો સમાવેશ થાય છે. આખાય અમદાવાદ અને પછી ધીરે ધીરે અન્ય જગ્યાઓને પણ વૃક્ષોથી ભરપૂર કરવા આ સંસ્થાનાં કાર્યકરો મહેનત કરી રહ્યાં છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે વૃક્ષો અને પર્યાવરણ માટે સજાગ આ સંસ્થાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સરકારના તમામ વિભાગો સહકાર આપે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)