અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારમાં આવેલી આઇસીબી પાર્ક સોસાયટીમાં નવરાત્રી ઉત્સવ દરમિયાન જુદી જુદી થીમ સાથે અવનવી વેશભૂષા રાખી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.કોરાનાની મહામારી પછી પાર્ટી પ્લોટ, ક્લબોના રાસ-ગરબા ઉત્સવોને મંજૂરી મળી નથી. બીજી તરફ રાત્રી-સંચારબંધીના અમલ વચ્ચે નવરાત્રી મહોત્સવને ઉજવવા માટે પણ મધરાતે બાર વાગ્યાનો સમય નક્કી કરી દેવામાં આવ્યો છે. તેથી શેરી, મહોલ્લા, સોસાયટીના ગરબામાં લોકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે.
નવરાત્રી જેવા ઉત્સવને કેટલાક ગામ અને સમાજ પોતાની આગવી શૈલીમાં ઉજવતા હોય છે. પણ અમદાવાદની આઇસીબી પાર્ક, ગોતામાં રહેતા રહીશો દરેક તહેવાર, ઉત્સવને અનોખી રીતે આયોજન કરી ઉજવે છે.
આઇસીબી પાર્કના અગ્રણી સોનલ આચાર્ય ચિત્રલેખા.કોમને કહે છે, આ વર્ષે નવરાત્રી-2021માં એકમથી આઠ દિવસ સુધી મહિલાઓ માટે સાડી અને પુરુષો માટે કોટી-ખેસ, પોપ્સ એન્ડ સ્કિટ ઓન હેલ્લારો, ફેન્સી ડ્રેસિંગ, ટ્રેડિશનલ ડ્રેસિંગ, ટ્વિનિંગ, ફ્યુશન મિક્સ એન્ડ મેચ/ઇન્ડો-વેસ્ટર્ન, રેડ ક્લોથ થીમ , તિરંગા જેવી થીમ રાખી છે. છેલ્લા પાંચ વર્ષથી આઠમના દિવસે કુંવારી કન્યાઓનું પૂજન કરીએ છીએ. અમે તમામ ઉત્સવ અને તહેવાર અનોખી રીતે સાથે મળીને ઉત્સાહથી ઉજવીએ છીએ. (પ્રજ્ઞેશ વ્યાસ)