ગાંધીનગરઃ દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ અંતર્ગત રાજ્યના મુખ્ય પ્રધાન ગઈ કાલે સવારે દુબઈ પહોંચ્યા હતા. દુબઇની દ્વિ-દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આયોજિત રોડ-શોમાં અગ્રણી ઉદ્યોગપતિઓને સંબોધન કર્યું હતું. તેમણે અહીં ગુજરાત પ્રતિનિધિ મંડળ વર્લ્ડ એક્સપોની મુલાકાતથી દુબઈ પ્રવાસનો આરંભ કર્યો હતો.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગના ત્રિવેણી સંગમથી ગુજરાત વિશ્વના મૂડીરોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. તેમણે એ પણ કહ્યું હતું કે ગુજરાત UAE માટે ભારતનું પ્રવેશદ્વાર છે
રાજ્યમાં વ્યવસાય-કારોબાર અને ઉદ્યોગોની સ્થાપના માટે આ રોડ-શોમાં મુખ્ય પ્રધાનની હાજરીમાં દુબઇના 19 જેટલા ઉદ્યોગ-રોકાણકારોએ ગુજરાત સાથે ગિફ્ટ સિટીમાં પ્રોજેક્ટ્સ રોકાણો સહિત વિવિધ સેકટર્સમાં રોકાણો માટે MoU કર્યા હતા. દુબઇનું પ્રતિષ્ઠિત શરાફ ગ્રુપ રાજ્યમાં લોજિસ્ટિક્સ પાર્ક સ્થાપવાનું છે અને એ માટેના MoU સરકાર સાથે કર્યા હતા. આ ઉપરાંત અલ્ફનાર ગ્રુપની નેત્રા વિન્ડ પ્રા. લિ.એ 300 મેગાવોટના વિન્ડ પાવર પ્રોજેક્ટ, સ્માર્ટ ગ્રીડ પ્રોજેક્ટ અને ટ્રાન્સમિશન પ્રોજેક્ટસમાં રોકાણના MoU કર્યા હતા.રાજ્યમાં અન્ય જે પ્રોજેક્ટસમાં રોકાણો માટે દુબઇના રોકાણકારો-ઉદ્યોગ સંચાલકોએ રસ દાખવ્યો છે તેમાં ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ, હજીરામાં ગ્રીન સિમેન્ટ ઉત્પાદન, ગિફટ સિટીમાં વેલ્યુટિંગ સર્વિસીસ અને સ્ટોક બ્રોકિંગ સર્વિસીસ, ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર તેમ જ ધોલેરા સરમાં મૂડીરોકાણો સહિત અનેક MoU મલ્ટિપલ પ્રોજેક્ટસ માટેના થયા છે. ગુજરાત સાથે જે MoU થયા છે તેમાં મુખ્યત્વે શરાફ ગ્રુપ, અલ્ફનાર ગ્રુપ, લુલુ ગ્રુપ, ટ્રાન્સવર્લ્ડ, અને નરોલા ગ્રુપ ઇન્ટરનેશનલ જેવા પ્રતિષ્ઠિત ઉદ્યોગ-વેપાર અગ્રણી સહિતના વિવિધ રોકાણકારોનો સમાવેશ થાય છે.