અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડનો દાવ રમે એવી શક્યતા છે. સરકાર આ માટે એક સમિતિની રચના કરે એવી ધારણા છે. આ સમિતિ સમાન નાગરિક સંહિતાની સંભાવનાઓ તપાસશે. એના વિવિધ પાસાંઓનું મૂલ્યાંકન કરવામાં આવશે અને હાઇકોર્ટના નિવૃત્ત જજ આ સમિતિની અધ્યક્ષતા કરશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
રાજ્યના ગૃહ મંત્રીએ કહ્યું હતું કે આ યુનિફોર્મ સિવિલ કોડની સંભાવનાઓને તપાસ કરવામાં આવશે. એના માટે એક સમિતિની રચના કરવાની યોજના છે. પ્રાંપ્ત માહિતી મુજબ આ મામલે તેઓ બપોરે ત્રણ કલાકે પત્રકાર પરિષદ પણ કરશે. કેબિનેટની બેઠકમાં ઉત્તરાખંડની જેમ હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ બપોરે ત્રણ કલાકે રાજ્યના ગૃહ મંત્રી આ વિશે વિગતવાર માહિતી આપશે.
બીજી બાજુ, રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યા મુજબ 1-2 નવેમ્બરે ચૂંટણીની તારીખોની જાહેરાત થાય એવી શક્યતા છે. ચૂંટણીની તારીખો જાહેર થતા રાજ્યમાં આચાર સંહિતા લાગુ થઈ જશે. એ પહેલાં યુનિફોર્મ સિવિલ કોડનો મહત્ત્વનો દાવ થાય એવી શક્યતા છે. આ પહેલાં ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણીથી પહેલાં યુનિફોર્મ સિવિલ કોડની ઘોષણા કરી હતી. આટલું જ નહીં, સરકાર બન્યા પછી એને લાગુ પણ કરવામાં આવી હતી.
શું છે યુનિફોર્મ સિવિલ કોડ
કાયદાની નજરમાં સૌ એકસમાન હોય છે. જાતિ, ધર્મ અને પુરુષ કે મહિલા- કાયદો સૌ માટે એકસમાન છે. યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો અર્થ લગ્ન, છૂટાછેડા કે સંપત્તિ વહેંચણી જેવા વિષયોમાં બધા નાગરિકોને માટે એક જેવો નિયમ. એનો અર્થ છે કે દેશમાં રહેતા દરેક નાગરિક માટે એકસમાન કાયદો હશે, પછી ભલે કોઈ પણ ધર્મ કે જાતિનો હોય.