લોકો નક્કી કરશે AAPનો CMપદનો ઉમેદવાર કોણ?: કેજરીવાલ

અમદાવાદઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ મોટો નિર્ણય કર્યો છે. આપે લોકો પાસે પાર્ટીના મુખ્ય મંત્રીપદના ચહેરા માટે જનતા પાસે સૂચનો માગ્યાં છે. આપના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ કરીને રાજ્યનો મુખ્ય મંત્રી કોણ હોવો જોઈએ? એના માટે સામાન્ય જનતા પાસે સૂચનો માગતા એક નંબર અને ઈમેઇલ ID જારી કર્યા છે. લોકો એના માટે સૂચનો આપી શકે છે.

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ) દ્વારા અત્યાર સુધીમાં 86 ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પંજાબની પેર્ટન પ્રમાણે જ ચૂંટણી લડી રહી છે. પાર્ટીએ આ જ પદ્ધતિ ગુજરાત માટે પણ લાગુ કરી છે.

આપ દ્વારા જાહેર કરવામાં આવેલા ફોન નંબર 63570 00360 પર એસએમએસ, વોટ્સએપ મેસેજ, વોઇસ મેસેજ અને ઈમેલ પર પણ મેઇલ કરવા કેજરીવાલ દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્રીજી નવેમ્બરે સાંજે પાંચ કલાક સુધી આ ફોન નંબર પર મુખ્ય પ્રધાન અંગેની પસંદગી કરી શકાશે અને ચોથી નવેમ્બરે મુખ્ય મંત્રીપદનો ચહેરો જાહેર કરવામાં આવશે.

આમ આદમી પાર્ટી લોકોનો અભિપ્રાય જાણશે. મુખ્ય મંત્રીનો ચહેરો જાહેર કરવા માટે લોકોનાં સૂચનો જાણશે. સૂચનો જાણ્યા બાદ AAP મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે. સુરત ખાતે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ભાજપે મુખ્ય મંત્રી કોને બનાવશે એ જનતાને પૂછ્યું નથી, પરંતુ અમે જનતાને પૂછીને જ નિર્ણય લઈએ છીએ. આજે અમે ગુજરાતની જનતાને પૂછીએ છીએ કે તમે કોને મુખ્ય મંત્રી બનાવવા માગો છો.