ચૂંટણી ફંડનો 95 ટકા હિસ્સો ભાજપને જઈ રહ્યો છેઃ ગહેલોત

સુરતઃ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોતે દાવો કર્યો હતો કે ભાજપને ચૂંટણી ફંડનો 95 ટકા હિસ્સો મળી રહ્યો છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે દાનદાતા ડરને કારણે અન્ય પક્ષોને ફંડ નથી આપી રહ્યા. રાજ્ય વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં કોંગ્રેસના ચૂંટણીપ્રચાર માટે સુરત પહોંચેલા અશોક ગહેલોત ભાજપ પર કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોને ફંડ આપવાની ઇચ્છા રાખતા ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ જૂથોને ધમકાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે આમ આદમી પાર્ટી અને તેના સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતાં કહ્યું હતું કે તેઓ પોતાના વિશે નકારાત્મક સમાચાર દબાવવા માટે નાણાં ખર્ચ કરે છે.

તેમણે કહ્યું હતું કે ભાજપે નકલી ઓળખ બનાવી, જેને હવે તોડવામાં આવી રહી છે. તેમના ત્યાં આગામી ચૂંટણી માટે ઉમેદવાર નથી. લોકો તેમની ચાલ સમજી ગયા છે. કોંગ્રેસે ચૂંટણી માટે લોકતંત્ર જીવિત રાખ્યું છે. ભાજપ ફાસીવાદમાં વિશ્વાસ કરે છે. ચૂંટણી જીતવા માટે લોકતંત્રનો ચહેરો લગાવી લે છે.

જો દાનદાતા અન્ય પાર્ટીને ફંડ આપે છે તો ED અને ઇન્કમ ટેક્સ તેમના દરવાજે પહોંચી જાય છે. અમારા દેશમાં ફંડ પર એક પક્ષે કબજો કરી રાખ્યો છે. તેમણે કરોડ રૂપિયા જમા કરી રાખ્યા છે, જેનો ઉપયોગ તેઓ દેશભરમાં ફાઇવ સ્ટાર પાર્ટીની ઓફિસ બનાવવામાં થઈ રહ્યો છે. ભાજપે એક મોડલ રજૂ કર્યું છે, જેમાં ફંડના માધ્યમથી એકત્ર કરવામાં આવેલાં નાણાંનો ઉપયોગ રાજ્ય સરકારોને પાડવામાં થઈ રહ્યો છે, જેમ તે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભાજપે કર્યું, એમ તેમણે જણાવ્યું હતું. ભાજપ સિદ્ધાંતોને બદલે ધાર્મિક આધારે ચૂંટણી જીતે છે.