અમદાવાદઃ 36મી નેશનલ ગેમમાં ગોલ્ડના ગોલ સાથે ગુજરાત વિમેન ફૂટબોલ ટીમ મેદાનમાં ઊતરવા માટે તૈયાર છે. ગુજરાતની મહિલા ફૂટબોલ ટીમે ઘરઆંગણે મેડલ જીતવા માટે પુરજોશમાં તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે. ટીમ છેલ્લા 45 દિવસથી પ્રિ-કેમ્પમાં દરરોજ ત્રણ-ચાર કલાક સતત મહેનત પણ કરી રહી છે. ગુજરાત વિમેન ફૂટબોલ ટીમના એક્સપર્ટ કોચ કલ્પના દાસે જણાવ્યું હતું કે હું મૂળ તામિલનાડુની છું અને આ ટીમ સાથે છેલ્લા એક વર્ષથી જોડાયેલી છું. ગુજરાત વિમેન ફૂટબોલ ટીમ પ્રથમ વાર નેશનલ ગેમ્સમાં ભાગ લઈ રહી છે. આ ટીમનો જુસ્સો અને ઝનૂન અત્યારે હાઇ લેવલ પર છે. ટીમ માત્ર મેડલ જીતવાના લક્ષ્યાંક સાથે જ મેદાનમાં ઊતરશે.
અમે અત્યારે કુલ 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. હાલમાં જ ગર્લ્સની ફૂટબોલ ટીમે બોય્ઝ ફૂટબોલ ટીમ સાથે પ્રેક્ટિસ મેચ પણ રમી છે, જેમાં ગર્લ્સની ટીમે સારું પ્રદર્શન પણ કર્યું હતું. મને આશા છે કે ગુજરાતની વિમેન ફૂટબોલ ટીમ જરૂરથી મેડલ જીતશે, એમ તેણે કહ્યું હતું.
ગુજરાત વિમેન ફૂટબોલના હેડ કોચ મંયકભાઈ સેલેરે કહ્યું હતું કે ટીમના કોચ અને ફિઝિયો તરફથી ખેલાડીઓને તમામ પ્રકારની મદદ મળી રહી છે. ખેલાડીઓ અત્યારે સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે. ગુજરાત વિમેન ફૂટબોલની ટીમ નેશનલ ગેમ્સ રમવા માટે ખૂબ એક્સાઇટેડ પણ છે. ટીમનું એક જ લક્ષ્ય છે નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું.
અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડિયમમાં આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડમાં વિમેન ફૂટબોલની મેચો રમાશે. પહેલી ઓક્ટોબરથી છ ઓક્ટોબર સુધી દરરોજ બે મેચ યોજાશે. પ્રથમ મેચ સવારે 9.30થી 11.30 કલાક સુધી અને બીજી મેચ બપોરે 3.30થી 5.30 કલાક સુધી યોજાશે. 36મી નેશનલ વિમેન ફૂટબોલ ગેમમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ગુજરાત, મિઝોરમ, ગોવા, ઓડિશા, મહારાષ્ટ્ર, તામિલનાડુ, આસામ અને મણિપુરની ટીમોનો સમાવેશ થયો છે. ગુજરાત વિમેન ફૂટબોલ ટીમની પ્રથમ મેચ બીજી ઓક્ટોબરે આસામ સામે થશે. ત્યાર બાદ ચોથી ઓક્ટોબરે મહારાષ્ટ્ર અને છ ઓક્ટોબરે ઓડિશા સામે થશે.