રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ 99.04 ટકા વરસાદ, જળાશયો છલોછલ…

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે ચોમાસુ સારુ રહ્યું છે. રાજ્યના 204 જેટલા જળાશયો પૈકીના 51 જળાશયો 100 ટકાથી વધારે ભરાયા છે. આ ઉપરાંત 49 જળાશયો 70 થી 100 ટકા સુધી ભરાયા છે. આ વર્ષે ચોમાસામાં સરેરાશ વરસાદ 99.04 ટકા જેટલો થયો છે. આમાં કચ્છ અને દક્ષિણ ગુજરાત ઝોનમાં 100 ટકાથી વધારે વરસાદ વરસ્યો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે મળતા અહેવાલ મુજબ ૩ સપ્ટેમ્બર-૨૦૧૯ના સવારે ૬.૦૦ કલાકે પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૧૬ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં લોધીકા, પાલીતાણા અને બોટાદ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તે ઉપરાંત આઠ તાલુકાઓમાં બે ઇંચથી ચાર ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જેમાં રાજકોટ, ચીખલી, રાપર  ઘોઘા, જૂનાગઢ, જૂનાગઢ શહેર, ટંકારા અને જોડીયાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ૧૦૫ તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળ્યા છે.

રાજ્યમાં મોસમનો સરેરાશ ૯૯.૦૪ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છ ઝોનમાં ૧૨૧.૫૬ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૮૦.૨૮ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૯૫.૭૨ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૮૯.૦૨ ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૧૦.૩૫ ટકા વરસાદ વરસ્યો છે.

રાજ્યના ૨૦૪ જળાશયો પૈકી ૫૧ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાઇ ગયા છે. તે ઉપરાંત ૪૯ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે, ૨૯ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે, ૨૫ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે અને ૫૫ જળાશયો ૨૫ ટકા થી ઓછા ભરાયા છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૪૦.૩૭ ટકા જળસંગ્રહ થયો છે, તે ઉપરાંત મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૫.૮૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૬.૪૬ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૬૯.૯૨ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૯.૨૫ ટકા જળસંગ્રહ થયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી મળેલા અહેવાલ મુજબ સરદાર સરોવર, ઉકાઇ, કડાણા, વણાકબોરી, મચ્છુ-૩, આજી-૪, મચ્છુ-ર, આજી-૩, ઉન્ડ-ર, પાનમ, કરજણ,આજી-ર, ફોફલ-ર, મચ્છુ-૧, મીટ્ટી, ડેમી-૨, છાપરવાડી-૨, લાલપરી, ગોધાતડ અને જવાનપુરા જળાશયોમાં ૮૫થી ૧૦૦ ટકા સુધી જળ સંગ્રહ થયો છે.