ગાંધીનગરઃ રાજ્ય સરકારે સ્મશાનગૃહમાં કામ કરતા કર્મચારીઓને કોરોના યોદ્ધા ગણવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોરોના અંગેની કોર બેઠકની ગ્રુપમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સ્મશાનમાં કામ કરતા કર્મચારીઓને પહેલી એપ્રિલ, 2020થી કોરોના યોદ્ધાઓને આપવામાં આવતા તમામ લાભો મળશે. સરકારના નવા નિર્ણય મુજબ જો કોરોના સંક્રમિક થવાને લીધે સ્મશાનભૂમિમા કર્મયારીનું મોત થશે તો પરિવારને રાજ્ય તરફથી રૂ. 25 લાખની સહાય કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે મધ્યમ વર્ગના પરિવારો પણ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર દરમ્યાન સરકારની કલ્યાણકારી નીતિઓ જેવી કે મા-કાર્ડ અને વાત્સ્લય કાર્ડનો લાભ લઈ શકશે. રાજ્યમાં હાલમાં કોરોનાના કેસોમાં વધારો થયો હતો. ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં કોરોના કેસોમાં ઉછાળો આવ્યો હતો અને કોરોનાને લીધે થતા મોતમાં નોંધપાત્ર વધારો થયો હતો. જેથી સ્મશાનગૃહોમાં ગેસની ભઠ્ઠીઓ પણ પીગળી ગઈ હતી.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 11,017 કેસો નોંધાયા હતા અને 102 મોત થયાં હતાં, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. આ નવા કેસોમાં વધારાને પગલે રાજ્યમાં કોરોનાના કુલ કેસોનો આંકડો 7,14,611એ પહોંચ્યો હતો. જોકે છેલ્લા 24 કલાકમાં 15,264 લોકો સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 5,78,397 લોકોએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં હાલ કુલ 1,27,483 સક્રિય કેસો છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 8731 લોકોનાં મોત થયાં છે.