રાજ્ય સરકારે નિકાસ વધારવા એમેઝોન ઇન્ડિયા સાથે MoU કર્યા

વડોદરાઃ ‘રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસે’ એમેઝોન ઇન્ડિયાએ એન્ટરપ્રુનરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), અને રાજ્ય સરકારના કુટિર અને ગ્રામીણ વિભાગ સાથે રાજ્યમાંથી નિકાસ વધારવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતી કરાર ઈ-કોમર્સની નિકાસ વધારવામાં સહાય કરશે. શહેરના અકોટા સ્ટેડિયમમાં સ્ટેટ ક્રાફ્ટ એવોર્ડ સેરેમની અને ODOP એક્ઝિબિશનમાં આ સમજૂતી કરાર કુટિર, ગ્રામીણ અને MSMS પ્રધાન બલવંતસિંહ રાજપૂત, સિવિલ એવિયેશન, મજૂર અને રોજગાર ખાતાના રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા, રાજ્યના સહકારપ્રધાન પ્રવીણ સોલંકી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યા હતા.

આ સમજૂતી કરારના ભાગરૂપે એમેઝોન રાજ્યના વણકરો અને કારીગરો તેમ જ MSME એકમો સાથે નિકાસ કાર્યક્રમો યોજશે અને તેમની ચીજવસ્તુઓ વૈશ્વિક ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર મૂકશે અને વેચાણ કરશે. એનાથી તેમને 200થી વધુ દેશો અને વિસ્તારોમાં એમેઝોનના લાખ્ખો ગ્રાહકો સુધી ‘મેડ ઇન ઇન્ડિયા’ હેઠળનાં ઉત્પાદનો વેચવામાં મદદ મળી રહેશે. કુટિર અને ગ્રામીણ વિકાસે આ માટે રાજ્યભરમાંથી હસ્તકલા અને હેન્ડિક્રાફ્ટ ક્ષેત્ર માટે હસ્તકલા સેતુ યોજના થકી 1000 કારીગરોની ઓળખ કરશે, જેઓ નિકાસના માધ્યમથી વેપાર વધારવામાં રસ દાખવશે. આ સાથે વિભાગ આ કારીગરો માટે વર્કશોપ્સ અને તાલીમી કાર્યક્રમોનું પણ આયોજન કરશે. એમેઝોન અને EDII આ કારીગરો માટે B2C ઈ-કોમર્સ નિકાસ માટે તાલીમી કાર્યક્રમો, વર્કશોપ્યનું અને અવેરનેસ સેશન્સનું આયોજન કરશે. આ કાર્યક્રમો થકી એમેઝોન આ કારીગરોને તેમનાં ઉત્પાદનો 18+ એમેઝોન ગ્લોબલ માર્કેટપ્લેસ માટે નોંધણી કરવા અને નિકાસ કરવા માટે શિક્ષિત કરશે.

આ સમજૂતી કરાર વિશે કુટિર અને ગ્રામીણ ઉદ્યોગપ્રધાન બળવંસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે અમારી પ્રાથમિકતા રાજ્યમાંથી જેતે ચીજવસ્તુની નિકાસ વધારવાની છે અને આ ભાગીદારી થકી એમેઝોનની સાથે અમારું લક્ષ્ય રાજ્યના MSME એકમોને ઈ-કોમર્સ નિકાસને અપનાવવા માટે સશક્ત બનાવવાનો છે.

રાજ્ય સરકારના રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે એમેઝોનની સાથે આ સહયોગ સંસ્કૃતિ, ટેક્નોલોજી અને અર્થતંત્રનું જોડાણ કરવાનો છે. અમારી પ્રાથમિકતા રાજ્યમાંથી નિકાસને વેગ આપવાની છે અને MSMS અને વણકરો અને કારીગરોની ચીવસ્તુઓની નિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ સાથે એમેઝોન ઇન્ડિયાના ગ્લોબલ ટ્રેડના ડિરેક્ટર ભૂપેન વાકણકરે જણાવ્યું હતું કે આ સહયોગ થકી રાજ્યના MSMS અને વણકરો તેમ જ કારીગરોને તેમની ચીજવસ્તુઓની વૈશ્વિક નિકાસ વધારવામાં મદદ મળશે. આ સાથે તેમણે કહ્યું હતું કે ગુજરાત પહેલેથી જ એમેઝોન ગ્લોબલ સેલિંગ પર ટોચનાં રાજ્યો પૈકીનું એક છે, જેમાં રાજ્યમાંથી 12,0000થી વધુ નિકાસકારો સંલગ્ન છે. કંપની આ કાર્યક્રમ 2015માં લોન્ચ કર્યો હતો. આજે આ કાર્યક્રમ હેઠળ દેશભરનાં 200થી વધુ શેરોના 1.25 લાખ નિકાસકારો સુધી વિસ્તર્યો છે અને આ કાર્યક્રમ હેઠળ આશરે આઠ અબજ ડોલરના મૂલ્યના ભારતીય બનાવટનાં માલસામાનની નિકાસ થઈ ચૂકી છે.