અમદાવાદઃ કેન્દ્ર સરકાર બાદ હવે ગુજરાત સરકાર પણ સૌપ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભાના બજેટ માટે રાજ્ય સરકારે એપ્લિકેશન લોન્ચ કરી છે. જેથી ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ થશે. નાણાપ્રધાન નીતિન પટેલ ગુજરાત બજેટ એપ્લિકેશનનો લોંચ કરી છે અને બજેટના દિવસે આ મોબાઇલ એપ્લિકેશન પર તમામ અપડેટ મળી રહેશે અને ગુજરાતના બજેટ સંબંધી અત્યાર સુધીની તમામ માહિતી પણ આ એપ્લિકેશન પર મળશે. નાણાપ્રધાન રાજ્યનું બજેટ ત્રીજી માર્ચે રજૂ કરશે.
નાણાપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતનું બજેટ પૂર્ણ રીતે ડિજિટલ હશે અને તેનાથી હજારો ટન કાગળનો વપરાશ ઘટશે. મોબાઇલ એપ્લિકેશન મારફત બજેટ માહિતી અપડેટ થતી રહેશે અને લેપટોપમાં બજેટ જોવા માટે સરકાર ધારાસભ્યોને પેન-ડ્રાઇવમાં પણ બજેટ આપશે. ગુજરાત સરકારનું વર્ષ 2021-22નું બજેટ ઓનલાઇન પણ જોઈ શકાશે.
આ બજેટ માટે ઓછામાં ઓછા કાગળ વપરાય તેવો આગ્રહ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ માટે સરકારે ખાસ ‘ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન’ લોન્ચ કરી છે. આ એપ્લિકેશનમાં તમામ માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં હશે.
રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. હાલમાં 73 પ્રકાશનો દ્વારા માહિતી રજૂ કરવામાં આવે છે. અને આ 73 પ્રકાશનો માટે 55,17,305 લાખ કાગળનો ઉપયોગ થાય છે.