ગુજરાતી-ભાષાનું ખમીર જાળવીએ: પદ્મવિભૂષણ ડો. સોનલ માનસિંહ

અમદાવાદઃ “ગુજરાતી ભાષાનું ખમીર કોઈ દહાડો અસ્ત થઈ જ ન શકે પણ આજે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતીઓને ગુજરાતી બોલવામાં ભાર લાગે છે અને અંગ્રેજી, હિન્દીના બેફામ મિશ્રણથી તરફડીયું એવું કહેવાતું ગુજરાતી બોલાય છે. જો આમ જ ચાલતું રહ્યું તો ગુજરાતી ભાષાની આવતીકાલની દશા ચિંતાજનક છે. ને તેથી જ આજે ગુજરાતીને ગુજરાતી બનાવવાની તાતી જરૂર છે.”

પ્રખ્યાત નૃત્યાંગના અને ગુરુ, વિદુષી અને રાજ્યસભા સદસ્ય, પદ્મવિભૂષણ ડો. સોનલ માનસિંહે હાલમાં ‘મારી ભાષા ગુજરાતી’ ઓનલાઇન વર્ચ્યુઅલ મંચ પર આ વિચાર વ્યક્ત કર્યાં હતાં.

સ્વાનુભવો ટાંકતાં તેમણે કહ્યું કે, “આઝાદી પહેલાં અને પછીના દસકામાં મુંબઈ અને સમગ્ર ગૂર્જર પ્રાંતમાં ગુજરાતી ભાષાનું વર્ચસ્વ હતું અને ગુજરાતીઓની બોલબાલા હતી. માતૃભાષાથી લઈને એકોતેર પેઢીની ભાષા ગુજરાતી બની રહે એવી પરંપરા હતી પણ જે હવે આજની પેઢીમાં વિલુપ્ત થઈ રહી છે.”

ગુજરાતીની અસ્મિતાનાં વિવિધ ઉદાહરણો ટાંકતાં તેમણે “ચાલો ગુજરાતીને ગુજરાતી બનાવીએ” એવી હાકલ કરી અને આશા વ્યક્ત કરી કે “ગુજરાત અને ગુજરાતીઓ સદાકાળ ચિરકાળ માટે ઝળહળતા સૂર્યની જેમ ચમકતા રહે અને ભારત ફરીથી વિશ્વગુરુ બને એમાં સૌથી મોટો ફાળો ગુજરાત અને ગુજરાતીઓનો જ હોઈ શકે એ સપનું સાકાર કરવા ગુજરાતીને ગુજરાતી જ રહેવા દેવાની જરૂર છે.”

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન નિમિત્તે યોજાયેલ વિચારગોષ્ઠિમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના ઉપ-કુલપતિ હર્ષદભાઈ શાહે કહ્યું કે “માતૃભાષાનો મહિમા કરવા માટેય જો માત્ર એક દિવસની ઉજવણી કરવામાં આવે તે ઉત્સવની નહિ પણ દુઃખની બાબત છે. દરેક ક્ષણે યાદ કરવાની હોય એવી માં અને એના સમતુલ્યે જ માતૃભાષા અને એનો મહિમા કરવા માટે પશ્ચિમી ઢબે માત્ર એક દિવસના ઓશિયાળા બની રહેવું ને પછી બાકીના દિવસોમાં અંગેજીયાતના ગુણગાન કરતા રહીને માતભાષાની અવહેલના કરતા રહેવું એ આજની પરિસ્થિતિ છે જે બરાબર નથી અને આ સ્થિતિ આપણી સંસ્કૃતિના આવનારા નજીકના ભવિષ્ય માટે ચિંતાજનક છે.”

શાહે અંગ્રેજીનાં બેફામ ઉપયોગનાં આંગળી ચીંધતાં અનેક ઉદાહરણો ટાંકીને ભાષાને કઢંગી બનાવવા તરફે લાલબત્તી ધરી હતી.

‘મારી ભાષા ગુજરાતી’ કાર્યક્રમના સંયોજક ભાગ્યેન્દ્ર પટેલે જણાવ્યું કે “પાળવા જ પડે એવા નિયમો તો આપણે પાળીએ છીએ પણ પાળવા જ જોઈએ એવા નિયમો પરત્વે આપણે બેદરકાર રહીએ છીએ,” માતૃભાષા દિન અવસરના ઇતિહાસ ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે “આપણે પોતાની ફરજો ચૂકી જઈએ તો તે પછીથી આપણા અધિકારો માટે આપણે લડતો કરવી પડે છે.” ગુજરાતી ભાષાની વિશિષ્ટતા રેખાંકિત કરતાં તેમને ઉમેર્યું કે જો ગુજરાતી ભુલાઈ ગઈ તો પછી બીજી કોઈ ભાષાના માધ્યમે ગુજરાતી ફરીથી શીખી શકાશે નહિ.”

આ કાર્યક્રમની સહયોગી સંસ્થા ગુજરાતી સાંસ્કૃતિક કેન્દ્રના પ્રમુખ વિરાટ શાહ અને ગ્લોબલ ગુજરાતી ગ્રુપના સમન્વયક રોહિત વોરાએ પણ વિચારો રજૂ કર્યાં હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]