સુરત, તારી આ મૂરત? ફરીથી લોકો ચાલ્યા છે વતન ભણી…

સુરતઃ રમેશભાઈ દસાણી ઉર્ફે બાપુ છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં રહે છે (ના, રહેતા હતા). શહેરના પૂણા વિસ્તારમાં ખમણ,ભજીયા, દાબેલી જેવા નાસ્તાની લારી ચલાવીને ગુજરાન ચલાવતા હતા. એમનો 23 વર્ષ નો  દીકરો ચેતન રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. લૉકડાઉનના થોડા દિવસ પહેલા જ ચેતન જેને ત્યાં કામ કરતો હતો એ હીરા ફેક્ટરીના શેઠ જર્મની ગયા હતા અને ત્યાં જ ફસાઈ ગયેલા. એ એવા ફસાયા કે અહીં કારખાનું બંધ થયું અને ચેતન જેવા કલાકારો બેકાર બન્યા. નોકરી અને પગાર બંને ગયા, ચેતને નવી નોકરી શોધી અને માંડ 10-15 દિવસ નોકરી કરી અને લૉકડાઉન આવ્યું એટલે એ કામ પણ બંધ થયું, પગાર તો થયો જ નહીં. બીજી તરફ સંપૂર્ણ લૉકડાઉનમાં રમેશભાઈની નાસ્તાની દુકાન બંધ થઇ ગઈ. ત્રણ મહિના તો ગમે તેમ ચાલ્યું પણ અનલૉક પછી તો ચાલે એમ નથી એવું લાગતા રમેશભાઈ અને ચેતનએ સુરતમાં ભાડાના જે મકાનમાં રહેતા એ ખાલી કરીને બધો જ સામાન લઇને વતન અમરેલી પહોંચી ગયા છે.

રમેશભાઈ ચિત્રલેખા.કૉમ ને કહે છે ચાર મહિના તો અમે ચલાવી લીધું, સરકારે જે આપ્યું એ અનાજ અને સુરતના સવાણી ગ્રુપ તરફથી મળેલી અનાજ કીટથી ચાલ્યું પણ હવે તો અશક્ય છે. સંક્રમણ ફેલાયું છે એ તો છે જ, સાથે ધંધો શૂન્ય છે અને મકાન ભાડું અને ખાવા પીવા માટે પણ પૈસા ખૂટતા હતા અધૂરા માં પૂરું થયું તે રત્નકલાકાર દીકરા ચેતન ની નોકરી ગઈ. એટલે અનેક મુશ્કેલીઓ સામે આવી, જે વિકલ્પ દેખાયો એ એ જ કે વતન જતા રહીએ, સુરતમાં પરિસ્થિતિ થાળે પડશે ત્યારે આવીશું.

આ વાત એકલા રમેશ દસાણીની નથી, વરાછા, કતારગામ, પૂણા, કાપોદ્રા, સરથાણા, ડભોલી જેવા સુરતના આ વિસ્તારોમાં સાંજે નીકળો તો અસંખ્ય લોકો સુરત છોડીને ફરી વતન પરત જઇ રહ્યા છે. સુરતમાં જે લોકો ભાડાના મકાનમાં  રહે છે એમણે ઘર ખાલી કરીને ઘર સામાન લઇને સુરત છોડી રહ્યાં છે. કેટલાય રત્ન કલાકારો બેકાર બન્યા છે.  અનલોક-1 પછી હીરા અને કાપડ ઉદ્યોગ ફરી શરુ થયા હતા. માંડ 25-30 ટકા કારખાના શરુ થયા હતા એ પણ નિયંત્રણો સાથે. પણ એ પછી રત્નકલાકારોમાં વ્યાપક પ્રમાણમાં સંક્રમણ જોવા મળ્યું, 1000થી વધુ રત્ન કલાકારો કોરોના ગ્રસ્ત થયા એટલે સુરત મહાનગરપાલિકા દ્વારા મંગળવારથી 7 દિવસ માટે બંધ કરાવી દેવામાં આવ્યા છે. આ એકમો બંધ થતાં ભાડા પર રહેતા સૌરાષ્ટ્રવાસી અને ઉત્તર ગુજરાતના રત્નકલાકારો પુન: પોતાના વતન પરત ફરી રહ્યા છે. અનેક ડાયમંડ કંપનીઓ લોકડાઇનનો પગાર ચુકવ્યો નથી. રત્નકલાકારોને દહેશત છે કે આ બંધ હાજી વધુ લંબાશે અને કારખાના વહેલા ખુલશે નહિ. સામે એમની પાસે કોઈ મૂડી બચી નથી, પગાર આવતા નથી એટલે ઘર ભાડું ભરવાનું,બાળક ની સ્કૂલ-ટ્યુશન ફી કોઈ વ્યવસ્થા નથી એટલે એવા હજારો લોકો સુરત છોડીને જઈ રહ્યા છે.

અનલોક-1માં જે કારખાના ખુલ્યા તેના માલિકોએ 30 ટકા સુધી પગારકાપ સાથે વેતન આપવાની વાત કરતા રત્નકલાકારોને કામના પ્રમાણમાં ખુબ ઓછુ વેતન મળી રહ્યુ હતું અનેક રત્નકલાકારોના પરિવારોની આર્થિક સ્થિતિ ખરાબ થતા ડાયમંડ વર્કર યુનિયને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રત્નકલાકારો માટે સ્પેશિયલ રાહત પેકેજ જાહેર કરવા માંગ કરી છે. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે ગત મંગળવારથી ફરી હીરા એકમો અને બજારો બંધ કરાવી દેવામાં આવ્યા છે. તેને કારણે જે રત્નકલાકારો સુરતમાં ભાડેથી રહે છે તેમને પોતાના ઘરનું ભાડું સહિત અને જરૂરી ખર્ચાઓને પહોંચી વળવું મુશ્કેલ થઈ ગયું છે. વિવિધ સંસ્થાઓ દ્વારા આગેવાની કરીને રત્નકલાકારોને સહાય કરવા તૈયારી તો બતાવાય હતી પરંતુ આજદિન સુધી તેમના થકી થયેલી જાહેરાતનો લાભ રત્નકલાકારોને મળી શક્યો નથી. કારીગરો પાસે પૂરતું કામ નથી, પૂરતું પગાર નથી અને સુરતમાં રહે તો ખર્ચ તો થવાનો જ છે એમ વિચારીને પરત ફરી રહ્યા છે. આ જઈ રહેલા લોકોને ભરોશો આપીને અટકાવનાર કોઈ નથી.

ખાટલે મોટી ખોડ એ રહી કે રત્નકલાકારો માટે કંપની કે ફેક્ટરી સંચાલકે કોરોના નહીં લાગે તેવી વ્યવસ્થા કરવાની હતી પરંતુ મોટાભાગના કારખાનેદારોએ 50 ટકા કરતાં વધુ કારીગરોને એક ઓરડામાં બેસાડીને ગાઈડલાઈન પ્રમાણેના સમય કરતાં પણ વધુ સમય બેસાડીને બેદરકારી દાખવી છે. સુરતના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની એ કહ્યું હતું કે અમે હીરાના કારખાનામાં તપાસ કરવા જઈએ છીએ તો કારીગરોને બાથરૂમ જેવી જેવી જગ્યાએ સંતાડી દેવામાં આવે છે. કારખાના માલિકોની બેદરકારીનો ભોગ રત્નકલાકારો બન્યા અને હવે ખુબ મોટી સંખ્યામાં એ વતન પરત ફરી રહયા છે એ બહુ ચિંતાજનક સ્થિતિ છે. 

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર પેકેજ તો જાહેર કરાયું પરંતુ તેમાં આપનારી સહાય મોટાભાગે લોન સ્વરૂપે આપવામાં આવી છે. સબસિડી રૂપે મર્યાદિત જાહેરાતો થઈ છે અને તેનો લાભ રત્નકલાકારોને સીધો મળ્યો નથી. મંગળવારથી વરાછા, કતારગામ, વેડ સહિતના વિસ્તારમાં રહેતાં રત્નકલાકારો પોતાના વતન જવા લાગ્યા છે. આવા સંજોગોમાં સરકાર તેમની વહારે આવે અને આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગણી મુખ્યમંત્રી પાસે કરવામાં આવી છે. લૉકડાઉનની શરૂઆતથી લાખ્ખો લોકો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જતા રહ્યા હતા. સરકારી બસો શરુ થઇ ત્યારે બીજા હજારો લોકો  ગયેલા. એ અનલોક-1 પછી 25% જેટલા લોકો પરત સુરત આવ્યા હતા. પરત આવેલા અને સુરતમાં રહી ગયેલા રત્નકલાકારો મળીને એક અંદાજ પ્રમાણે અનલોક-માં 1.75 લાખ રત્નકલાકારો ફરી કામે જોડાયા હતા.  સુરતમાં 7000થી વધુ હીરા કારખાના છે અને એમાં 15 લાખ થી વધુ રત્ન કલાકારો કામ કરે છે.

સુરત લક્ઝરી ઓપરેટર વેલ્ફેર એસોશિયેશનના પ્રમુખ દિનેશ અણધણ કહે છે, રોજની 300 જેટલી બસ સૌરાષ્ટ્રમાં જાય છે,  અને બધી જ ફૂલ જાય છે. અમે એસોશિયેશન થકી જાહેરાત કરી છે કે જે કોઈ પોતાનું ઘરસામાન બસમાં લાવશે તો એ ફ્રીમાં લઇ જઈશું. હજારો લોકો રોજ પરત ફરી રહ્યા છે એકલા હીરા ઉદ્યોગ નહિ કાપડ અને એમ્બ્રોઇડરી ઉદ્યોગ પણ બંધ છે કારીગરોને બધું રાબેતા મુજબ થાય એવી આશા નથી.એટલે હવે તો ઘર છોડીને જઈ રહ્યાં છે એટલે હવે દિવાળી સુધી તો આ લોકો પાછા નહિ આવે એવું લાગે છે.

શનિવારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે અધિકારીઓ સુરત આવી ને ગયા છે. એમણે આરોગ્ય સુવિદ્યા વધારવા અને વધુ સુદ્રઢ કરવાની ચર્ચા અને ચિતા કરી હતી. સંક્રમણ હીરા અને  ઉદ્યોગમાં વધ્યું હોવાની વાતનો સ્વીકાર કરીને કડક પગલાં પણ ભરવાના સંકેત પણ આપ્યા હતા, પણ આ બધા માં વતન પરત ફરી રહેલા હજારો લોકોની ચિંતા કોઈ કરતુ નથી.

(ફયસલ બકીલી-સુરત)