સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારીના ભથ્થામાં કર્યો

ગાંધીનગર:રાજ્યના સરકારી કર્મચારીઓ માટે દિવાળી પહેલાં ખુશખબર આવ્યા છે. રૂપાણી સરકારે કર્મચારીઓના મોંઘવારીના ભથ્થામાં વધારો કર્યો છે. ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને પહેલાં 17 ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવતું હતું, તેમાં હવે 11 ટકાનો વધારો કરવામાં આવતાં તેમને કુલ 28 ટકા લેખે મોંઘવારી ભથ્થું મળશે. 

રાજ્ય સરકાર દ્વારા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ તથા પેન્શરોને ખુશખબર આપવામાં આવી છે. ગુજરાત સરકારે એકસાથે 11 ટકાના વધારે સાથે 28 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કર્યું છે. આ લાભ તેમને સપ્ટેમ્બર માસના પગારથી જ મળશે.

નાયબ મુખ્ય પ્રધાનની જાહેરાત બાદ રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટો ફાયદો થશે. દેશમાં તહેવારોની સીઝન શરૂ થઈ ચૂકી છે અને હવે નવરાત્રિ અને દિવાળીના તહેવારો નજીકમાં છે, જેથી  સરકારની આ જાહેરાતથી સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી જશે. તેમના જણાવ્યા મુજબ  કર્ચમારીઓને જુલાઈ અને ઓગસ્ટ મહિનાના એરિયર્સની રકમ બે ભાગમાં ચૂકવવામાં આવશે. સરકારના મોંઘવારી ભથ્થામાં વધારાના નિર્ણયથી રાજ્યના નવ લાખ કર્મચારીઓને ફાયદો થશે. તેમણે જણાવ્યું હતું કે  મોંઘવારી ભથ્થામાં વધારો કરવાથી રાજ્ય સરકાર પર રૂ. 378 કરોડનો બોજ પડશે. તેમણે કહ્યું હતું કે ઓગસ્ટના ભથ્થાના વધારાની ચુકવણી જાન્યુઆરી, 2022માં કરવામાં આવશે.