અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આવતી 21થી 25 સપ્ટેમ્બર સુધી, એમ પાંચ દિવસ માટે મળશે. જેમાં 24 સુધારા સાથેનાં ખરડા રજૂ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વિધાનસભાનું સત્ર અંગે તારીખ નક્કી કરવામાં આવી છે. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ વિશે પત્રકારોને જણાવ્યું હતું. તેમણે આ વિશે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે વિધાનસભા સત્રમાં 24 પ્રકારના વિવિધ કાયદાઓ અને કાયદા સુધારક વિધેયક લવાશે. જેમાં ભૂમાફિયાઓ સામ લેન્ડ ગ્રેબિંગ એક્ટ, પાસાના સુધારા, ગુંડા નાબૂદી ધારા, મહેસૂલ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારા જેવા સુધારા વિધેયક લાવવામાં આવશે.
શોક પ્રસ્તાવ
તેમણે જણાવ્યું હતું કે 21મી સપ્ટેમ્બરે ચોમાસુ સત્રના પહેલા દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનને પગલે શોક પ્રસ્તાવ લાવવમાં આવશે. આ ઉપરાંત લોકડાઉન અને અનલોકમાં કોરોના વોરિયર્સે કરેલી કામગીરીને બિરદાવવામાં આવશે.
વિધાનસભામાં રોજ 10 કલાક સત્ર ચાલશે
ચોમાસું સત્રમાં પાંચ દિવસ માટે દરરોજ 10 કલાક વિધાનસભાની કામગીરી ચાલશે. પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને કારણે સમગ્ર વહીવટી તંત્ર અને સચિવોને વિવિધ જિલ્લામાં સંક્રમણ અટકે તેની જવાબદારી આપવામાં આવી છે. તેથી સચિવો પણ સંકલનમાં જિલ્લાના હેડક્વાર્ટરમાં ફરજ પર છે. તેથી વિધાનસભા અધ્યક્ષને વિનંતી કરી છે કે તારાંકિત પ્રશ્નોતરી ના આવે, અધ્યક્ષ સૂચવશે તો ટૂંકી મુદ્દતના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે.
વિધાનસભામાં તમામના કોવિડ ટેસ્ટ થશે
હાલ ચાલી રહેલા કોરોના કાળમાં ચોમાસું સત્ર મળી રહ્યું છે ત્યારે કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવામાં આવશે. જાડેજાએ જણાવ્યું હતું કે સંક્રમણ ખાળવા માટે વિધાનસભા સત્ર પહેલાં મુખ્ય પ્રધાનથી લઈ ધારાસભ્ય અને અધિકારીઓ, સલામતી અધિકારીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. એ પછી જ પ્રવેશ મળશે.
મિડિયા કર્મચારીઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે
સામાજિક અંતર સાથે વિધાનસભા સત્ર મળશે. જેને લઇને અધિકારી અને પ્રેક્ષક ગેલેરીમાં પણ ધારાસભ્યોને બેસાડવામાં આવશે. આ સાથે જ વિધાનસભામાં હાજર રહેનાર તમામના ફરજિયાત ટેસ્ટ થશે. મિડિયા કર્મચારીઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.