અમદાવાદઃ ભાવનગરની માહી ડેરીનું દૂધ પીવાલાયક નથી. કેન્દ્રની સરકારી લેબમાં તપાસમાં માહી ડેરીના દૂધના નમૂના ફેલ થયા છે. કેન્દ્રની લેબના રિપોર્ટમાં દૂધમાંથી વધુ માત્રામાં આલ્ફા ટોક્સિનનું પ્રમાણ મળ્યું છે. આલ્ફા ટોક્સિનની વધુ માત્રા આરોગ્ય માટે હાનિકારક ગણાય છે.
આ રિપોર્ટ બાદ સિનિયર ફૂડ સેફટી અધિકારી દ્વારા માહી ડેરી સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગરની એકમાત્ર ડેરી છે કે જ્યાંથી ભાવનગરમાં ઉત્પાદિત દૂધનો સપ્લાય કરવામાં આવતો હોય છે.
વર્ષ 2022માં માહી ડેરીની બલ્બ મિલ્ક ચીલિંગ સેન્ટરમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા હતા. જેની સૌ પ્રથમ રાજ્ય સરકારની લેબમાં તપાસ કરવામાં આવી હતી, ત્યારે પણ રાજ્ય સરકારની લેબના રિપોર્ટમાં પણ દૂધના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. જેથી માહી ડેરીએ રાજ્ય સરકારે રિપોર્ટને પડકાર આપ્યો હતો અને કેન્દ્રની સરકારી લેબમાં દૂધના નમૂના મોકલ્યાં હતા. જે પણ ફેલ થયા છે.
દૂધ ઉત્પાદક કંપની (એમપીસી) માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની કે જે લગભગ એક દાયકા પહેલાં અસ્તિત્વમાં આવી હતી. ડેરીનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1500 કરોડને પાર થઈ ગયું છે. માહી એમપીસી જેની કામગીરી હમણાં સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી મર્યાદિત હતી, પરંતુ હવે ડેરી અમદાવાદ, વડોદરા અને સુરત જેવાં મોટાં શહેરો સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપ વધાર્યો હતો. માહી ડેરી ભારતના 18 ઓપરેશનલ મિલ્ક પ્રોડ્યુસર કંપનીમાંથી એક છે કે જેની માર્ચ, 2013માં વેપારી કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલમાં માહી ડેરી જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર પંથક, દેવભૂમિ દ્રારકા સહિત 11 જિલ્લાનાં 2206 ગામોમાંથી 48,231 મહિલા સભ્યો સહિત 1,01,641 સભ્યો પાસેથી 7,06,000 લીટર દૂધ સંપાદિત કરી રહી છે.
