પોલિસ દળના ઇતિહાસમાં સૌથી મોટી પાસિંગ આઉટ પરેડ યોજાઈ

ગાંધીનગર– ગુજરાત પોલિસ દળના ઇતિહાસમાં સૌથી મોટી પાસિંગ આઉટ પરેડમાં અમદાવાદ શહેર પોલિસ દળમાં યોજાઈ હતી. જેમાં આઠ માસની તાલીમ બાદ 2301 નવપ્રશિક્ષિત લોકરક્ષક તાલીમાર્થીઓનો દીક્ષાંત સમારોહ સંપન્ન થયો. આ અવસરે ઉપસ્થિત રહેલાં મુખ્યપ્રધાન વિજયરુપાણીએ જોડાઇ રહેલાં લોકરક્ષકોને અનુરોધ કર્યો હતો કે પાતાળમાંથી પણ ગુનેગારને શોધી કાઢી તેને સજા-દંડ કરાવનાર પોલિસની છબિ બનાવી ગુજરાત પોલિસની શાખ ઉજાળે.નવપ્રશિક્ષિત લોકરક્ષકો પ્રજાના સુખે સુખી, પ્રજાના દુઃખે દુઃખીનું સેવાદાયિત્વ દાખવી પ્રજા માટે પોલીસ છે તેવી અનૂભુતિ કરાવે. તેમણે કોંગ્રેસ શાસન યાદ કરાવતાં કહ્યું કે ભૂતકાળમાં અમદાવાદ, પોરબંદર, સૂરત જેવા શહેરોના ઇલાકાઓ-નગરો ગુનેગારોના નામે અને તેમની ધાકથી ઓળખાતા હતાં તેવી સ્થિતિમાંથી હવે રાજકીય ઇચ્છાશકિત, અને પોલિસ દળના મોરલને કારણે રાજ્યમાં આજે સુરક્ષિતતાનો માહોલ છે.સીએમ રૂપાણીએ ગુજરાત પોલિસ દળને આધુનિક ગુનાખોરીના પડકારોને પહોચી વળવા સક્ષમ બનાવવા પોકેટ કોપ પ્રોજેકટ, સીસીટીવી સર્વેલન્સ, કમાન્ડ એન્ડ કંટ્રોલ વોલ જેવા ટેકનોલોજીયુકત આયામોની ભૂમિકા સમજાવી હતી. આ દીક્ષાંત પરેડ સમારોહ પ્રસંગે કાયદા રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિત વિભાગના રાજકીય અને પોલિસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]