અમદાવાદઃ વડા પ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું કામ બુલેટની ઝડપે થઈ રહ્યું છે. જેના માટે સાબરમતી રેલવે સ્ટેશનની પાસે નવ માળનું એક બિલ્ડિંગ તૈયાર થઈ રહ્યું છે, જેનું 90 ટકાથી વધુ કામ થઈ ચૂક્યું છે. આ બિલ્ડિંગ પણ આ પ્રોજેક્ટનો ભાગ છે. એ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ છે. આ દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન છે.
જાપાન ઇન્ડિયા એસોસિયેશનના અધ્યક્ષ અને જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન, સુગા યોશિહિદેના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય જાપાની પ્રતિનિધિ મંડળ દ્વારા રાજેન્દ્ર પ્રસાદ, MD-NHSRCLની સાથે અમદાવાદમાં MAHSR પ્રોજેક્ટના સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ અને SBS લોન્ચિંગ સાઇટની મુલાકાત લેવામાં આવી હતી.
જાપાન સરકારના પ્રતિનિધિ સભાના સભ્યો, ભારતમાં જાપાનના એમ્બેસેડર, જેઆર ઇસ્ટ (ઇસ્ટ જાપાન રેલવે કંપની) JICA (જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી), MOFA) ( જાપાન- વિદેશ મંત્રાલય) અને NHSRCLના વરિષ્ઠ અધિકારી પણ પ્રતિનિધિમંડળમાં સામેલ થયા હતા.
પહેલાં બુલેટ ટ્રેન વર્ષ 2022 સુધી ચલાવવાનું લક્ષ્ય હતું, પણ હવે એને વધારીને 2023 કરવામાં આવ્યું છે. જોકે માર્ચમાં રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે હવે 2026 સુધીને એ ચાલુ થવાની શક્યતા છે.