માનવાધિકાર પંચ ગુજરાતથી સંતુષ્ટઃ 136માંથી 40 કેસમાં વિસ્તૃત અહેવાલ માગ્યાં

ગાંધીનગર- માનવ અધિકારોના રક્ષણ અને જતનમાં ગુજરાત સરકારે કરેલ કામગીરી સંતોષકારક છે અને રાજ્ય સરકારે માનવ અધિકારોનું હનન ન થાય તે માટે અનેકવિધ પગલાં ભર્યા છે તેવો સંતોષનો ઓડકાર કરાઇ એકેડમીમાં યોજાયેલા બે દિવસીય  કેમ્પના સમાપનમાં વ્યક્ત કરાયો હતો. દેશમાં કુલ ૧૭,૫૦,૦૦૦ માનવ અધિકાર ભંગ અરજીઓમાંથી ગુજરાતમાંથી ફક્ત ૨૬,૫૦૦ અરજીઓ આવી છે તેમ આયોગના અધ્યક્ષ એચ.એલ.દત્તુએ જણાવ્યું હતું.

દત્તુએ કહ્યું કે, આયોગની ચાર બેન્ચ દ્વારા ૧૩૬ કેસોની સુનાવણી કરવામાં આવી હતી. આ કેસ પૈકી ૬૩ કેસમાં સંતોષકારક કામગીરી થઇ હોવાથી કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે ૪૦ કેસમાં વિસ્તૃત અહેવાલ માંગવામાં આવ્યા છે.

 

આ ઉપરાંત 5 કેસમાં અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ એક્ટના નિયમો અનુસાર રાહત મંજુર કરવામાં આવી છે. નાણાકીય રાહત રૂપે રૂ.૩.૨૫ લાખની ભલામણ કરવામાં આવી હતી અને રૂ.૪ લાખના પેમેન્ટ પુરાવા મળ્યા હતા. કેમ્પ દરમિયાન ૧૧ વર્ષની દુષ્કર્મ પીડિતાના પુનર્વસન, પેન્શનના લાભ શરુ કરવા જેવા કેસની સુનવણી કરવામાં આવી હતી.

બીજા દિવસે બેન્ચ દ્વારા ૧૯ કેસોની સુનાવણી કરવામાં આવી હતી. આ કેસોમાં સાબરકાંઠા જિલ્લામાં એક અનુસુચિત જનજાતિના વ્યક્તિની હત્યા, સિવિલમાં મૃત્યુ અને જૂનાગઢ જિલ્લામાં સ્કૂલે જતા બાળકો માટે પૂલના નિર્માણ જેવા કેસોનો સમાવેશ થાય છે. આયોગ દ્વારા ત્રણ કેસમાં રૂ.૮ લાખની નાણાકીય રાહત ચૂકવવાની ભલામણ કરવામાં આવી છે જ્યારે અન્ય કેસમાં ચુકવણી અંગેના પુરાવાઓ પ્રાપ્ત થયા છે તથા તેની ચુકવણીના આખરી તબક્કામાં છે.

આયોગે સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ અને માનવ અધિકાર ક્ષેત્રે કામ કરતા લોકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં આભડછેટ અને ૭૫%થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં દલિતો સાથે થતા ભેદભાવનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

કે.બી સક્સેના દ્વારા સોંપવામાં આવેલા રીપોર્ટને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં કેમ્પ યોજી અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે થઇ રહેલ અત્યાચારો સંદર્ભે સમીક્ષા કરવામાં આવી રહી છે.