દ્વારકા વિધાનસભા 2017ની ચૂંટણી રદ્દ કરવાનો હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ આજે દ્વારકા વિધાનસભાની સીટને લઇને ગુજરાત હાઈકોર્ટે આપેલા એક મહત્વપૂર્ણ આદેશમાં 2017 માં યોજાયેલી આ વિધાનસભા બેઠકની ચૂંટણીને રદ્દ જાહેર કરતા, ગુજરાતના રાજકારણમાં ચકચાર મચી ગઈ છે. શાસક પક્ષ ભાજપ માટે આંચકા સમાન ગણાતા આ ચૂકાદામાં હાઈકોર્ટે દ્વારકા વિધાનસભા બેઠકની ચૂંટણી નવેસરથી યોજવાનો આદેશ આપ્યો છે.

2017માં આ બેઠક પર ભાજપના ઉમેદવાર પબુભા માણેક સામે કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયા ચૂંટણી લડ્યા હતા અને પબુભા સામે તેમનો પરાજય થયો હતો.

જો કે એ પછી હારી ગયેલા ઉમેદવાર મેરામણ ભાઈએ કોર્ટમાં અરજી કરીને પબુભાઈએ પોતાના ઉમેદવારી ફોર્મમાં ખોટી વિગતો દર્શાવી હોવાનો વાંધો ઉઠાવ્યો હતો. મેરામણભાઈએ કરેલી આ અરજીની સુનાવણી પછી હાઈકોર્ટે આખી ચૂંટણીને જ રદ્દ કરીને ફરી ચૂંટણીનો આદેશ આપ્યો છે.