અમદાવાદઃ જૂની વી.એસ. હોસ્પિટલ તોડવા પર હાઈકોર્ટે લગાવી રોક

અમદાવાદઃ જૂની વીએસ હોસ્પિટલ તોડવા મામલે હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે. ચેરિટી કમિશનરના આદેશ સામે કોંગ્રેસ દ્વારા અરજી કરવામાં આવી હતી. જેના પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી.

આ મામલે 20 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, ‘મહાત્મા ગાંધીના આશીર્વાદ અને સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી 13મી ડિસેમ્બર, 1931માં વી.એસ હોસ્પિટલ શરૂ થઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલના વરદ હસ્તે 120 બેડની વી.એસ.હોસ્પિટલ અને ચીનોઈ પ્રસુતિ ગૃહનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલ 90 વર્ષથી શહેરની મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓની વિનામૂલ્યે સારવાર થતી હતી, પણ છેલ્લા 10 મહિનાથી ભાજપના શાસકો દ્વારા વી.એસ હોસ્પિટલને બંધ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જેનો અમે સતત વિરોધ કરી રહ્યા છીએ.’

આ ઉપરાંત તેમણે જૂની હોસ્પિટલમાં ડોક્ટર ન હોવાના આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, ‘પેરા મેડિકલ સ્ટાફ માત્ર નામનો છે. કોઈ દર્દી આવે તો તેને દાખલ કરવામાં આવતો નથી. માત્ર નામ પૂરતા દર્દી દાખલ છે તેવો દેખાડો કરી પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. ત્યારે ચૂપચાપ વી.એસ હોસ્પિટલ બંધ કરી દેવાઈ છે. બેડ ખસેડી લેવાયાં છે. તબક્કાવાર જૂના બિલ્ડીંગને તોડવાનું કામ ચાલુ છે. આમ, ભાજપના શાસકો 500 બેડ કાર્યરત રાખવાની વાત કરતા હતા પણ 50 બેડ પણ કાર્યરત નથી.’