રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણીમાં જોડાયા વિદ્યાર્થીઓ

અમદાવાદઃ ગુજરાત સાયન્સ સિટી ખાતે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા સેશનમાં ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓ ઊર્જા સંરક્ષણના મહત્વ અંગે રસપ્રદ માહિતી મેળવી હતી.

ઊર્જા સંરક્ષણ દિવસ દર વર્ષે ૧૪ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.

ભવિષ્યની ચાવી ગણાતી પુનઃપ્રાપ્ય ઊર્જાના મહત્વથી વિશેષજ્ઞ દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યાં. ઊર્જા સરંક્ષણ એટલે ઊર્જાનો બિનઉપયોગી વપરાશ ટાળીને લઘુત્તમ ઉપયોગ કરવો. જેનો ઉદ્દેશ ભવિષ્યના વપરાશ માટે ઉર્જાની બચત કરવાનો છે.

નિરમા યુનિવર્સિટીના પ્રો. દર્શિત ઉપાધ્યાયે જણાવ્યું કે દેશની ૬૦-૭૦ ટકા વીજળીનું ઉત્પાદન કોલસા પર આધારિત છે. જો કે, નજીકના સમયમાં સૌર-ઊર્જા અને જૈવ-ઊર્જા કે જે પર્યાવરણને સહાયક છે તે કોલસાનો વિકલ્પ બનશે. તેઓ એ જૈવ-ઊર્જાનું મહત્વ પણ સમજાવ્યું કે જેમાં કૃષિ કચરો, ઔદ્યોગિક કચરો અને પ્રાણીઓના કચરાનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ટૂંક સમયમાં પિરાણા (અમદાવાદ) ખાતે ભેગો કરેલા જૈવ કચરાનો ઉપયોગ ઊર્જા ઉત્પન્ન કરવા માટે થશે. આ ઉર્જા કોલસાથી વિપરીત પર્યાવરણ સહાયક અને પુનઃપ્રાપ્ય હશે.

ત્યારબાદ તેઓએ સાયન્સ સિટીના એનર્જી એજ્યુકેશન પાર્કખાતે પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓને હાઈડ્રો-ઊર્જા અને સૌર-ઊર્જાની કાર્યરીતિ સમજાવી.