ફારુક અબ્દુલ્લા હજુ ત્રણ મહિના ઘર-કમ-જેલમાં જ રહેશે

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાની કસ્ટડી ત્રણ મહિના માટે વધારી દેવામાં આવી છે. તેઓ 5 ઓગસ્ટથી કસ્ટડીમાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર તેઓ પોતાના ઘરમાં જ રહેશે જેને સબ-જેલ જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કરી દેવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટમાં એમડીએમકે નેતા વાઈકોએ અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે ફારુકને ગેરકાયદેસર કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આના થોડા કલાક પહેલા ફારુક વિરુદ્ધ 17 સપ્ટેમ્બરના રોજ પબ્લિક સેફ્ટી એક્ટ (પીએસએ) લગાવવામાં આવ્યો હતો.

નેશનલ કોન્ફરન્સના ચેરમેન સામે પીએસએના પબ્લિક ઓર્ડર પ્રોવિઝન અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે જે અંતર્ગત કોઈપણ વ્યક્તિને સુનાવણી વગર ત્રણથી છ મહિના સુધી જેલમાં રાખવામાં આવે છે.